અમદાવાદઃ નિરમા યુનિ.નો ૨૨મો પદવીદાન સમારોહ ૨૨મી ઓક્ટોબરે યોજાયો હતો. તેમાં રાજનીતિજ્ઞ અને ઇતિહાસવિદ લોર્ડ પ્રોફેસર ભીખુ પારેખ મુખ્ય મહેમાન હતા. તેમણે અનામત અંગે જણાવ્યું કે, ભારતમાં એસ.સી., એસ.ટી.ને અનામત મળવી જ જોઇએ. કારણ કે, હજાર વર્ષ સુધી તેઓ બેડીઓમાં રહ્યા છે. તેમને બહાર આવતા વાર લાગે. પણ, શિક્ષણ ક્ષમતા અને આર્થિક સ્થિતિ મુજબ અનામત પદ્ધતિમાં સુધારા જરૂર કરી શકાય.
દેશની ઉચ્ચ શિક્ષણની પરિસ્થિતિ અંગે તેમણે જણાવ્યું કે, આપણે ત્યાં રિસર્ચ માટેનો માહોલ જ નથી. દુનિયામાં ટોપ પર આવે એવી કે એ દિશામાં જતી કોઇ યુનિવર્સિટી દેખાતી નથી. તેના માટે સંશોધન આધારિત અર્થતંત્ર હોવું જઇએ. બુદ્ધિશાળી લોકો વિદેશ જતા રહે છે અને નવી શોધો કરશે અને પછી એ રખડતું રખડતું તમારી પાસે આવશે. આપણે ત્યાં છે એમ લંડનમાં પણ બ્રેઇન ડ્રેઇન થઇ રહ્યું છે. તો એ લોકોએ એવો રસ્તો કાઢ્યો કે, તમારે ચાર વર્ષમાં પાછા આવવાનું, ન આવો તો નિર્ધારિત ટેક્સ આપો કે તમારી નોકરીની આવકમાંથી ૫ ટકા તમારા દેશની સરકારને આપો. આવું આપણે વિચાર્યું નથી. બ્રિટનમાં ભારતના ૨૩૦૦૦ તો માત્ર ડોક્ટર્સ છે, પ્રોફેસર અને વકીલો તો જવા દો. લંડનમાં આવતા વિદેશી વિદ્યાર્થીઓમાંથી જ સરકારને ૯ બિલિયન પાઉન્ડની તો કમાણી થાય છે.


