ગાંધીધામઃ ગાંધીધામમાંથી મહારાષ્ટ્ર એટીએસ દ્વારા આંતકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા એક માણસને પકડી પાડ્યા બાદ ભારતમાં તબાહીનો સામાન શારજહાંથી આવવાનો હોવાનું બહાર આવ્યું છે. ગાંધીધામના ભારતનગર વિસ્તારમાંથી મહારાષ્ટ્ર એટીએસે અલ્લારખા અબુબકર મન્સુરી નામના માણસને તાજેતરમાં પકડી પાડ્યો હતો. તે આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોવાનું મહારાષ્ટ્ર એટીએસ દ્વારા જણાવી તેના ૨૫-૫ સુધીના રિમાન્ડ પણ મેળવ્યા છે. મુંબઈમાં ફૈઝલ હસન મિર્ઝાને પકડી પડાયા બાદ તેની પૂછપરછમાં ગાંધીધામના મન્સુરીનું નામ ખુલતાં એટીએસ તેને પણ ઊઠાવી ગઈ હતી.
આ બંને યુએઈના ફારુક દેવડીવાલા સાથે નિયમિત સંપર્કમાં હોવાનું અને દેવડીવાલા દાઉદ અને છોટા શકીલનો ખાસ માણસ હોવાનું પણ બહાર આવ્યું છે. આ લોકોનો ટાર્ગેટ મહારાષ્ટ્રની ચૂંટણીઓ હોવાની પણ શક્યતા બતાવાઈ રહી છે. ભારતમાં હુમલો કરવા માટેનો સામાન કરાચીથી શારજહાં પહોંચવાનું હતું અને ત્યારબાદ તે ભારત લઈ આવવાની આતંકીઓની યોજના હતી. ગુજરાતમાં દારુગોળો અલગ-અલગ જગ્યાએ પહોંચાડવાની જવાબદારી ગાંધીધામમાં પકડાયેલા મન્સુરીને અપાઈ હોવાની પોલીસને શંકા છે. જે અંગે તેની સઘન પૂરપરછ ચાલી રહી છે.

