અમદાવાદઃ હાથીજણમાં ડીપીએસ ઈસ્ટ કેમ્પસમાં સ્વામી નિત્યાનંદ આશ્રમમાં બાળકો પર અત્યાચાર અને યુવતીઓની જાતીય સતામણીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યા પછી અહેવાલ આવ્યા કે સ્વામી નિત્યાનંદ ઈક્વાડોરમાં સંતાયા છે. ઈક્વાડોરમાં તેણે કૈલાસ નામના નવા દેશની રચના કરી હોવાનું કહેવાય છે. ઇક્વાડોર પાસેથી વેચાતા લીધેલા ટાપુ પર નવા દેશ કૈલાસની રચના કર્યાની વેબસાઇટ પર જાહેરાત કર્યાના થોડા દિવસ બાદ તાજેતરમાં દિલ્હી સ્થિત ઇક્વાડોરના દૂતાવાસે જણાવ્યું હતું કે, ભારતના વોન્ટેડ અને બની બેઠેલા ગોડમેન નિત્યાનંદને ઇક્વાડોરની સરકારે રાજ્યાશ્રય આપ્યો જ નથી. ઇક્વાડોરની એમ્બેસી દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું કે, નિત્યાનંદે ઇક્વાડોરની સરકાર સમક્ષ ઇન્ટરનેશનલ પર્સનલ પ્રોટેક્શન રાજ્યાશ્રય માટે વિનંતી કરી હતી, પરંતુ તે નકારાઈ છે. એ પછી નિત્યાનંદ ઇક્વાડોર છોડીને હૈતી જતો રહ્યો હતો. ઇક્વાડોરે નિત્યાનંદને પ્રશાંત મહાસાગર - દક્ષિણ અમેરિકા નજીક કોઈ પણ જમીન કે ટાપુ ખરીદવામાં મદદ કરી નથી.
કૈલાસ રાષ્ટ્રનું મિશન
હાથીજણ આશ્રમના એક પછી એક કૌભાંડ ખૂલ્યા પછી નિત્યાનંદ વિશે જાણવા મળ્યું હતું કે તે ઈક્વાડોરમાં છે અને તેણે એક દેશની રચના કરી છે. આ દેશનું નામ તેણે કૈલાસ રાખ્યું છે અને તેઓ આ દેશનો પોતાનો પાસપોર્ટ પણ ધરાવે છે. નિત્યાનંદે પણ આ નવા દેશની વેબસાઈટ બનાવી છે. તેણે કૈલાસને પૃથ્વી પરનું સૌથી શ્રેષ્ઠ હિન્દુ રાષ્ટ્ર ગણાવ્યું છે. અહેવાલો હતા કે નિત્યાનંદે મધ્ય લેટિન અમેરિકામાં ઈક્વાડોર નજીક પોતાનાં નામે એક ટાપુ ખરીદીને નવા સ્વતંત્ર દેશ કૈલાસ માટે યુએનની મંજૂરી માગી હતી. કૈલાસ એ કોઈ સરહદો વિનાનો દેશ છે જેને વિશ્વમાંથી હાંકી કઢાયેલા હિન્દુઓ દ્વારા સ્થાપવામાં આવ્યો છે. જેઓ પોતાનાં દેશમાં જ હિન્દુવાદનો સત્તાવાર રીતે પ્રસાર અને પ્રચાર કરવાનો અધિકાર ગુમાવી ચૂક્યા છે તેવા લોકો આ દેશમાં છે. નિત્યાનંદે આ દેશના પોતાના પાસપોર્ટનો નમૂનો ઓનલાઈન પણ મૂક્યો હતો. નિત્યાનંદ હવે લોકોને આ દેશનાં નાગરિક બનવા આમંત્રણ આપી રહ્યા છે અને દેશને ચલાવવા દાન પણ માગી રહ્યા છે.
નિત્યાનંદની વેબસાઈટ પર કરાયેલા દાવા મુજબ કૈલાસ એક બિનરાજકીય રાષ્ટ્ર છે. જેનું વિઝન સંપૂર્ણ રીતે માનવતા પર આધારિત છે. આ દેશ પ્રમાણિક હિંદુ ધર્મ પર આધારિત પ્રબુદ્વ સંસ્કૃતિ અને સભ્યતાના સંરક્ષણ અને પુનરોદ્વાર માટે સમર્પિત છે કે જે એક સમયે અફઘાન, ભારત, નેપાળ, બર્મા, શ્રીલંકા, સિંગાપુર, મલેશિયા, કંબોડિયા અને ઈન્ડોનેશિયા સહિત સમગ્ર મહાદ્વીપમાં ૫૬ કરતાં વધુ દેશમાં પ્રસરેલો હતો, પરંતુ હાલમાં તે વિલુપ્ત થઈ રહ્યો છે. વેબસાઈટ પર જણાવાયું છે કે એક રાષ્ટ્રના સ્વરૂપમાં કૈલાસ શાંતિપૂર્ણ, સંપ્રભુ, સેવા ઉન્મુખ છે. કૈલાસ એક ક્ષેત્રના બદલે એક વિચારધારાનું પ્રતિનિધિત્વ કરે છે.
મફત હેલ્થકેર, મફત શિક્ષણ અને અનાજ
વેબસાઈટમાં એવું કહેવામાં આવ્યું છે કે નવા દેશ કૈલાસમાં મંદિર આધારિત ઈકોસિસ્ટમ નવા દેશ કૈલાસમાં મંદિર આધારિત ઈકોસિસ્ટમ છે. થર્ડ આઈથી વિશેષ સાયન્સ છે અને યોગ, મેડિટેશન તેમજ ગુરુકુળને લગતી શિક્ષણ વ્યવસ્થા છે. અહીં વિશ્વનાં લોકોને મફત હેલ્થકેર, મફત શિક્ષણ અને મફત અનાજ આપવામાં આવે છે. લોકોની જીવનશૈલી મંદિર આધારિત છે. નિત્યાનંદ હવે લોકોને આ દેશનાં નાગરિક બનવા આમંત્રણ આપી રહ્યા છે અને દેશને ચલાવવા દાન પણ માગી રહ્યા છે.
કૈલાસની નાગરિકતા મેળવવા ડોનેશન
નિત્યાનંદે ખાનગી ટાપુ પર જે દેશ સ્થાપ્યો છે તેના માટે અલગ રાષ્ટ્ર ધ્વજ, રાષ્ટ્રીય પ્રાણી, રાષ્ટ્રીય પક્ષી, રાષ્ટ્રીય ફુલ, રાષ્ટ્રીય વૃક્ષ પણ જાહેર કરી દીધા છે. વેબસાઈટ પર તેણે પોતાના દેશનું અલગ બંધારણ અને વહીવટી વિભાગની પણ જાણકારી આપી દીધી છે. નિત્યાનંદનો ટાપુ ત્રિનિદાદ અને ટોબેગોની નજીક છે. તેણે આ ટાપુને ‘હિંદુ સંપ્રભુ રાષ્ટ્ર’ ઘોષિત કર્યો છે. અલગ રાષ્ટ્ર માટે જરૂરી એવી સરકારી વિભાગોની પણ રચના કરવામાં આવી છે. વેબસાઈટ પર સાર્વજનિક ઘોષણા મુજબ મહાનતમ હિંદુ રાષ્ટ્ર કૈલાસની નાગરિકતા મેળવવા માટે ડોનેશન આપવાની પણ જાણકારી અપાઈ છે.
અનુયાયી ‘મા’ વડાં પ્રધાન
કૈલાસ માટે પાસપોર્ટ સોનેરી અને લાલ રંગના છે. ધ્વજનો રંગ મરૂન છે અને તેમાં બે પ્રતીક છે. એક સિંહાસન પર નિત્યાનંદ અને બીજામાં નંદી છે. નિત્યાનંદે પોતાના દેશ માટે એક કેબિનેટ પણ બનાવી છે અને પોતાની નજીકની અનુયાયી ‘મા’ને વડાં પ્રધાન પણ નિયુક્ત કરી છે. વેબસાઈટ પર સરકારની રચના બતાવી છે તે મુજબ ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટ એન્ડ એજન્સી સેક્શનમાં પહેલું ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફિસ ઓફ એચડીએચ છે. જે નિત્યાનંદની ઓફિસ, સરકારના આંતરરાષ્ટ્રીય સંબંધો અને કાર્યાલયની સાથે સોશિયલ મીડિયાનું ડિજિટલ બાબતો માટે જવાબદાર રહેશે.
બાળકો પર હાથીજણ આશ્રમમાં સતત અત્યાચાર થતો હતો!
અમદાવાદઃ એક તરફ નિત્યાનંદ ક્યાં છે? તે પ્રશ્ન છે ત્યારે એવી વાસ્તવિક્તા બહાર આવી છે કે અમદાવાદ નજીકના હાથીજણ આશ્રમમાંથી મુક્ત કરાવવામાં આવેલા બે બાળકો સહિત અન્ય બાળકોનું આશ્રમમાં સતત ટોર્ચરિંગ કરીને તેમના પર અત્યાચાર ગુજારાતો હતો.
તામિલનાડુના જનાર્દન શર્માને સોંપાયેલા બે બાળકો વિશે ખૂલ્યું કે તેમને એટલી હદ સુધી ડરાવેલા હતા કે તેઓને આશ્રમમાંથી મુક્ત કર્યા છતાં દસ દિવસ સુધી તેમનું સાયકાયટ્રિસ્ટ પાસે કાઉન્સેલિંગ કરાવવું પડયું. એ પછી માંડ માંડ તેઓ પોતાની આપવીતી વર્ણવી શક્યા હતા. બંને બાળકોના મેજિસ્ટ્રેટ સમક્ષ સીઆરપીસીની કલમ ૧૬૪ મુજબ જે નિવેદન લેવામાં આવ્યા તેમાં ઘણા ઘટસ્ફોટ થયા હતા.
આ ઘટસ્ફોટમાં બહાર આવ્યું કે સ્વામી નિત્યાનંદની પ્રસિદ્ધિ માટે આશ્રમમાં રાખવામાં આવેલા બાળકો અને યુવકોને અલગ અલગ ટાર્ગેટ આપવામાં આવતા હતા. જેમાં બાળકો પાસે રાતના સમયે સ્વામીજીની પૂજા હવન, ગૌરક્ષા કરાવતા હતા. સ્વામીજી કહે તે સમયે તૈયાર થઈને ડાન્સ કરાવતા હતા. યજમાનોને આકર્ષવા, ડોનેશન ઉઘરાવવાનો પણ ટાર્ગેટ બાળકોને અપાતો હતો. સ્વામીજી જે કામ આપે તે પૂરું કરવામાં ન આવે તો બીભત્સ ગાળો બોલી સજા તરીકે માર મારવામાં આવતો હતો. સ્વામીજીની સૂચનાથી બે દીકરી અને એક દીકરાને પુષ્પક સિટીના મકાન નંબર ૧૦૭માં બે સપ્તાહ સુધી ગોંધી રાખીને ગુરુદ્રોહનો ડર આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપાઈ હતી.


