ગાંધીનગર: ભારતીય કિસાન સંઘના સંસ્થાપક જીવણભાઈ પટેલનું નવમી જાન્યુઆરીએ સવારે અમદાવાદ સ્થિત દેવનગર ગામના નિવાસસ્થાને અવસાન થયું હતું. ૮૭ વર્ષના જીવણદાદા થોડાંક સમય પહેલાં કોવિડ૧૯ પોઝિટિવ આવતાં તેમને અમદાવાદમાં યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તબિયત સારી થતાં તેમને રજા અપાઈ હતી. ઘરે આવ્યા બાદ તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને તેમનું મૃત્યુ થયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જીવણભાઈને ટ્વિટરથી શોકાજંલિ પાઠવી હતી. વડા પ્રધાને જીવણદાદાના પુત્રને ફોન કરીને સાંત્વના પાઠવી હતી. ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્ય પ્રધાન રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિતના આગેવાનોએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

