ગાંધીનગરઃ પંડિત દિન દયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ લિબરલ સ્ટડિઝ દ્વારા હાથ ધરાયેલા ધ સ્ટડી ઈન ઇન્ડિયા એકસ્પોઝર પ્રોગ્રામનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. આ પ્રોગ્રામ હેઠળ ઓસ્ટ્રેલિયન એડિથ કોવાન યુનિવર્સિટીના માનસશાસ્ત્રના યુવા વિદ્યાર્થીઓ તેમના૨ ફેકલ્ટીઝ સાથે બે સપ્તાહના રિસર્ચ કાર્ય માટે આવ્યા છે. ૨જી ફેબ્રુઆરીથી ૧૧મી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ ભારતીયો, ભારતીય સંસ્કૃતિ, ભારતીય માનસ અને ઈસીયુ વિદ્યાર્થીઓમાં ભારતીય માનસશાસ્ત્ર પરિપ્રેક્ષ્યમાં કેવી રીતે મૂલવી શકાય તે સંદર્ભે અભ્યાસ તથા સંશોધન કાર્ય હાથ ધરી રહ્યા છે.
આ પ્રસંગે પંડિત દિનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટીના ‘સ્ટડી ઈન ઇન્ડિયા એકસ્પોઝર પ્રોગ્રામ’ના ચેરમેન તથા એસએસએસના ડાયરેક્ટર પ્રો. ડો. નિગમ દવેએ જણાવ્યું હતું કે, આપણે શિક્ષણના વૈશ્વિકરણના સંદર્ભે સીમાપારની યુનિવર્સિટીઓ સાથે નવા વિચારો પર કામ કરીશું અને એકધારી ચાલી આવતી માન્યતાઓ તોડી નવા આયામો ઉપર કાર્ય કરીશું. બીજી ફેબ્રુઆરીએ પીડીપીયુ ખાતે ઓસ્ટ્રેલિયાની એડિથ કોવાન યુનિવર્સિટીથી આવેલા ૧૨ વિદ્યાર્થીઓ અને ૨ ફેકલ્ટીઝના ડેલિગેશન સાથે ‘ધ સ્ટડી ઈન ઇન્ડિયા એક્પોઝર પ્રોગ્રામ’નું ઉદ્ઘાટન થયું.


