ગાંધીનગરઃ મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાને જળબંબાકાર કરી નાખ્યો છે. ભારે વરસાદે ખાનાખરાબી તો સર્જી છે. મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે મંગળવારે પાટનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને ભારે વરસાદના લીધે સર્જાયેલી વિકટ સ્થિતિની જાણકારી મેળવીને અસરગ્રસ્ત વિસ્તારોમાં હાથ ધરાયેલી રાહત-બચાવ-સહાયની કામગીરીમાં વેગ લાવવા સુચના આપી હતી. અહેવાલ અનુસાર, અસરગ્રસ્ત વિસ્તારના ર૯ર૯ ગામોમાં વીજપુરવઠો ખોરવાઇ ગયો છે.
મુખ્ય પ્રધાનના અધ્યક્ષપદે યોજાયેલી યોજાયેલી બેઠકમાં ચીફ સેક્રેટરી જી. આર. અલોરિયા, કે. કૈલાસનાથન્, એસ. અપર્ણા સહિતના ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. મુખ્ય પ્રધાને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં ભારે વરસાદથી જે સ્થિતિ ઉભી થઈ છે તેને પહોંચી વળવા તેમ જ વીજળી, પાણી, આરોગ્ય, માર્ગોની દુરસ્તી, મૃત પશુઓના નિકાલ જેવી જાહેર સુખાકારીની બાબતોને અગ્રતા આપીને પૂર્વવત્ કરવા આદેશ આપ્યો છે.
આનંદીબહેને ભારે વરસાદની સ્થિતિનું આકલન કરતાં કહ્યું કે જે ર૯ર૯ ગામોમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે તેમ જ ર૦ સબ સ્ટેશનોમાં પાણી ભરાવાના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે ત્યાં યુદ્ધના ધોરણે વિદ્યુત વિભાગ પરિસ્થિતિ પૂર્વવત્ કરવા જરૂર પડ્યે વધારાના કર્મચારીઓને કામે લગાડવામાં આવે. તેમણે પીવાના પાણી તથા આવશ્યક સેવાઓ, પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ વિગેરેનો વીજ પૂરવઠો પુનઃસ્થાપિત કરવાના કામોને અગ્રતા આપવા તાકીદ કરી હતી.