કેરાઃ કચ્છ જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે ઉમદા સેવા કરી રહેલા ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા નરનારાયણદેવના ૧૯૩મા વાર્ષિક પાટોત્સવ દરમિયાન હિસાબ પુસ્તિકાનું વિમોચન થયું હતું. મહંત સ્વામી ધર્મનંદનદાસજીએ સત્સંગીઓ સમક્ષ પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. જેમાં મંદિર દ્વારા શરૂ થયેલા આયુર્વેદિક ઔષધાલયથી માંડીને અત્યાર સુધીની આરોગ્ય સેવાની ઝાંખી રજૂ કરાઇ છે. પુસ્તિકા અનુસાર છેલ્લા છ વર્ષમાં ૧૨ કરોડ રૂપિયાના ખર્ચે આરોગ્ય સેવા પૂરી પડાઇ છે.
આ સત્કાર્યમાં સહયોગ આપનારા વિવિધ દાતાઓ અને હરિભકતોને બિરદાવતા મુખ્ય કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગતે આશીર્વચન આપ્યા હતા. વિમોચન પ્રસંગે આરોગ્યસેવા પ્રેમી કે. કે. જેસાણી (લંડન) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પુસ્તિકામાં પ્રકાશિત વિગતોના સંકલનમાં કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામીના માર્ગદર્શનમાં વસંત પટેલ (કુંદનપર) અને અશ્વિન પિંડોરિયા (લેવા પટેલ હોસ્પિટલ)એ મહત્ત્વનું યોગદાન આપ્યું છે.


