અમદાવાદઃ ધરતી પર કોરોનાકાળ ચાલી રહ્યો છે, આકાશમાંથી મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે અને પેટાળમાં ભૂકંપ હલચલ મચાવી રહ્યો છે. કુદરતે ચારેબાજુથી ઘેર્યા હોય તેવી લાગણી ગુજરાતના લોકો અનુભવી રહ્યા છે. રવિવારે રાત્રે ૮.૧૩ મિનિટે સમગ્ર ગુજરાતમાં ધરતીકંપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો.
ભચાઉથી ૧૦ કિલોમીટરના અંતરે ૨૩.૩૯ અને ૭૦.૪૧ અક્ષાંશ રેખાંશે આવેલા હલરા - વામકા ગામ નજીક આ કંપન નોંધાયું હતું, જેની તીવ્રતા ૫.૩ની નોંધાઈ હતી. ભચાઉ તાલુકાના માય, હલરા - વામકા ગામની સીમમાં એપી સેન્ટર હોવાનું જાણવા મળ્યું હતું. લોકો ભયના માર્યા ઘરની બહાર નીકળી આવ્યા હતા. ભુજ તેમજ રાપરના પંડયાગઢ, આડેસરના મકાનોમાં તિરાડો પડી હતી. ભારે અવાજ સાથે આવેલા આંચકાને સૌપહેલાં લોકોએ વાદળોની ગાજવીજ સમજી હતી, પરંતુ ધરાની સાથે ઘરો અને મકાનો ધ્રૂજવા લાગતાં તથા વાસણો ખખડવા લાગતાં આંચકો હોવાનું અનુભવ્યું હતું. શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં લોકોમાં ગભરાટ ફેલાતાં ખુલ્લી જગ્યામાં બહાર આવી ગયા હતા.
ભુજ, અંજાર, મુન્દ્રા, ભચાઉ, નખત્રાણા, અબડાસા, સામખિયાળી સહિતના ભાગોમાં લોકોએ ધ્રુજારી અનુભવી હતી. આખે આખા ઘર ધ્રૂજી ઊઠતાં લોકોને ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ના ભૂકંપની યાદ આવી ગઈ હતી અને ગભરાટ ફેલાયો હતો.
રાજ્યભરમાં તીવ્ર અસર
આ આંચકાની તીવ્રતાની અસરના ભાગરૂપે અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી સહિત અનેક વિસ્તારોમાં સુધી થઈ હતી. રાજકોટમાં કાચા મકાનોમાં તિરાડ પડી ગઇ હતી. ઉપલેટામાં દીવાલ ઘસી પડી હતી. બહુમાળી ઈમારતોમાંથી લોકો નીચે ભાગ્યા હતા. સુરતમાં પણ ઘોડદોડ રોડ, ઉધના દરવાજા, કતારગામ, રાંદેર, પાલ વિસ્તારના લોકોએ આંચકા અનુભવ્યા હતા. હાલ કોઈ જાનહાનીના અહેવાલ નથી. જોકે, માલ-મિલક્તને ક્યાંય નુકસાન થયું નથી.
ધરતીકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉ નજીક
૨૦૦૧ના ભૂકંપ બાદ ભચાઉ દુનિયાભરમાં ચર્ચાનું એપીસેન્ટર બનેલું હતું, કારણ કે સૌથી વધુ આ તાલુકાએ ખુમારી ભોગવી હતી અને ફરીને બે દિવસથી ગુજરાત અને ભારતભરમાં ભચાઉ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કારણ કે રવિવાર રાત્રે ૮.૧૩ મિનિટે આવેલા ધરતીકંપનો ૫.૩નો આંચકો ભચાઉથી નજીક હતો અને સોમવારે ફરી બપોરના ૪.૬ ની તીવ્રતાનો ધરતીકંપ લોકોને ધ્રૂજાવી ગયો હતો.
કચ્છને ૨૦૦૧ની યાદ
કચ્છમાં રવિવારે ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ની યાદ અપાવનારા ૫.૩ રિક્ટર સ્કેલની તીવ્રતાના ભૂકંપ બાદ એક પછી એક એમ દિવસથી લઈને રાતભર ૧૫ આફ્ટરશોક નોંધાયા હતા. જેમાં ૪થી વધુની તીવ્રતા બે ભૂકંપનો પણ સમાવેશ થાય છે. ૧૫માંથી ૧૧ આફ્ટરશોકનું એપિસેન્ટર ભચાઉની આસપાસ નોંધાયેલું હતું અને તેની અસર પણ ભચાઉ વિસ્તારમાં મોટા પ્રમાણમાં જોવા મળી હતી.
સોમવારે બપોરે ૧૨:૫૭ વાગ્યે ૪.૬ રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ ભચાઉથી ૧૫ કિલોમીટર ઉત્તર-ઉત્તર-પૂર્વમાં નોંધાયો હતો. આના ત્રણ કલાક બાદ સીધો ૪.૧ મેગ્નીટ્યુડનો ભૂકંપ ભચાઉથી માત્ર છ કિલોમીટર દૂર ઉત્તર-ઉત્તર-પશ્ચિમે નોંધાયો હતો.