અમદાવાદઃ લોકોમાંથી ભૂત-પ્રેતનો ડર દૂર કરવા અમદાવાદની રેશનાલિસ્ટ સંસ્થાના સભ્યોએ કાળી ચૌદસની રાત્રે શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી લગભગ ૨૫૦ જેટલા પુરુષ, સ્ત્રી અને બાળકોને ભેગા કર્યાં હતાં અને જમાલપુર ફૂલબજાર સામે આવેલા સપ્તઋષિ સ્મશાન ગૃહમાં વિઝિટ કરાવી હતી. રાત્રે ૧૨ વાગ્યે આ લોકોને તાંત્રિકોની હાથની કરામતનું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન પણ બતાવાયું હતું.
આ કાર્યક્રમનો હેતુ લોકોમાં ભૂત-પ્રેત, જાદુ ટોણા માટે પ્રવર્તતી ગેરમાન્યતા દૂર કરવાનો હતો અને કોઈ પણ પ્રકારના ડર વગર લોકો મુક્ત મને કોઈ પણ દિવસે કે રાત્રે રસ્તા ઉપર અવર જવર કરી શકે તે સમજાવવાનો હતો.
ખાસ કરીને કાળી ચૌદસની રાત્રે આ કાર્યક્રમ યોજાવા પાછળનો ઉદ્દેશ સ્પષ્ટ કરતા એસોસિએશનના આગેવાનોએ કહ્યું કે, કાળી ચૌદસની રાત્રે ચાર રસ્તા ઉપર ગોળ કુંડાળુ બનાવી લોકો વડાં-ભજિયાં, લીંબુ-નારિયેળ મૂકે છે અને પાછું જોયા વગર ઘરે જાય છે અને ઘરમાંથી કકળાટ ગયો તેમ માની લેતા હોય છે. ખરેખર તે અંદશ્રદ્ધા છે એવું લોકો સમજે એ અમે ઇચ્છીએ છીએ.


