ભૂપેન્દ્ર પટેલના નામનું પાટીદાર કાર્ડ ખેલી ભાજપે એક કાંકરે અનેક પક્ષી માર્યા

Saturday 18th September 2021 05:34 EDT
 
 

ગાંધીનગરઃ ભૂપેન્દ્ર પટેલના મુખ્ય પ્રધાન બનવાની સાથે જ ભાજપે જબરદસ્ત પાટીદાર કાર્ડ ખેલ્યું છે. આ સાથે જ ભાજપે એક કાંકરે અનેક પક્ષી માર્યાં છે. પાટીદાર સમાજમાં રાજકીય પ્રભુત્વની બળવત્તર થતી માગ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ભાજપે જાણે આ નામથી સંતોષી છે. તેમાં પણ સમાજના નામ પર જોર લગાવતા નેતાને બદલે સમાજ માટે ખરેખર કાર્યશીલ નેતાને અહીં પસંદ કરાયા છે.
ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદાર સમાજ ઉપરાંત સરદાર ધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સહિતની અનેક પાટીદાર સંસ્થાઓ સાથે વર્ષોથી જોડાયેલા છે અને ઘણાં સામાજિક કાર્યો કરતા આવ્યા છે. ગુજરાતના રાજકારણમાં ઉત્તર ગુજરાતના કડવા પાટીદાર સમાજમાંથી કોઇ પણ નેતા મુખ્ય પ્રધાન પદ સુધી પહોંચી શક્યા નથી, પરંતુ ભૂપેન્દ્ર પટેલ મૂળ ઉત્તર ગુજરાતના કડવા પાટીદાર સમાજના નેતા છે તેથી તેમણે પૂર્તતા પણ કરી દીધી છે.
ગુજરાતમાં પાટીદાર મતદારો વર્ષોથી ભાજપના સમર્થક રહ્યા છે અને તેમના મત ભાજપનું ભાવિ નક્કી કરે છે. હવે પાટીદાર મુખ્ય પ્રધાન બન્યા બાદ વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર મત એક તરફી ભાજપ માટે ઝોક અપનાવી શકે છે.
કોંગ્રેસ અને ‘આપ’ ગુજરાતમાં પાટીદાર કાર્ડ ખેલવાની ફિરાકમાં હતું, તેથી ભાજપે અત્યારથી જ આ કૂકરી મારી દીધી હોવાથી તેમને તેમની રણનીતિઓ બદલવી પડશે. હવે કોંગ્રેસ અને ‘આપ’ને પણ પોતાના નેતા તરીકે પાટીદાર ચહેરો જ શોધવો પડશે, તો અને તો જ ભાજપને તેઓ ચૂંટણીમાં પડકાર આપી શકશે. કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતાને બદલવાની તૈયારીઓ થઈ ગઈ છે પણ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. આવી સ્થિતિમાં ભાજપ દ્વારા પાટીદારને મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરવામાં આવતા કોંગ્રેસને પણ નવી નિમણૂકમાં કોઈ એક પાટીદાર ચહેરાનો ફરજિયાત સમાવેશ કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે.
આ તરફ પાટીદારોને હળવાશથી લેનારાં રાજકીય લોકોને પણ હવે સંદેશ છે કે તેઓ આમ નહીં કરી શકે. રાજકીય સમીકરણોમાં ગુજરાતમાં જો પાટીદારોને કોરાણે મૂકીને નવા પ્રયોગો કરવા હશે તો સફળ નહીં રહેવાય તે સંકેતો તેમને મળી ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter