ભૂપેન્દ્ર પટેલને રાજકારણમાં અજાતશત્રુ રહેવાની નીતિ ફળી

Wednesday 15th September 2021 05:09 EDT
 
 

ગાંધીનગર: સોમવારે બપોરે રાજભવન ખાતે નવા મુખ્યપ્રધાનની શપથવિધી યોજાઇ હતી. આ શપથગ્રહણ બાદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પદભાર સંભાળ્યો હતો. આ પૂર્વે તેમણે દાદા ભગવાન અને સિમંધર સ્વામીની મૂર્તિને પુષ્પ અર્પણ કરીને નમન કર્યા હતાં ત્યાર બાદ મુખ્ય પ્રધાનની ખુરશી બિરાજમાન થયા હતાં. અને બાદમાં રાજ્યમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા અધિકારીઓ સાથે પહેલી સત્તાવાર બેઠક યોજી હતી.
જોકે આ પૂર્વેના ૨૪ કલાકનો તેમનો ઘટનાક્રમ બહુ રસપ્રદ કરતાં પણ કલ્પનાતીત રહ્યો હશે તેમાં બેમત નથી. ઘાટલોડિયાના ધારાસભ્ય તરીકે રવિવારે સવારે વિસ્તારમાં વૃક્ષારોપણના એક કાર્યક્રમમાંથી સીધા જ કમલમ પર પહોંચેલા ભૂપેન્દ્ર પટેલ બેઠક પતાવી ઘરે પરત ફરવાના મૂડમાં હતા. અડધે રસ્તે જ તેમના પર ફોન આવ્યો કે તમને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે છે, તે સમયે તેમને આ આખીય વાત સ્વપ્નવત્ લાગી અને તેમણે પોતાના પરિવારને પણ આ વાત જણાવવામાં ગડમથલ અનુભવી અને તેમ કરતાં જ તેઓ કમલમ્ પહોંચ્યા.
આગળની હરોળમાં બેઠેલાં પ્રદેશ નેતાઓને નમસ્કાર કરીને પાંચમી કતારમાં સાવ છેવાડે આવેલી ખુરશીમાં તેઓ બેઠા. રાબેતા મુજબ કમલમ્ પર બેઠક શરૂ થઇ અને અડધા કલાકમાં જ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. જીવનવીમાની ૨૮ પોલિસી લઈ રાખનાર ભૂપેન્દ્ર પટેલને રાજકારણમાં અજાતશત્રુ રહેવાની પોલિસી ફળી છે.
આ આખુંય ઓપરેશન કેવી રીતે પાર પડ્યું તેની કમલમ્ પર બેઠેલાં નેતાઓને ગંધ પણ નહીં હોય. જે સમયે ભૂપેન્દ્ર પટેલ કમલમ પર આવ્યા ત્યારે તેઓને ડ્રાઇવરે કમલમ્‌ના મુખ્ય પ્રવેશ દ્વારથી સો પગલાં દૂર ગાડીમાંથી ઉતારી દીધા અને તેઓ ચાલીને કાર્યાલય સુધી આવ્યા. અહીં પ્રદેશનો નાનો સરખો નેતા પણ તેમને આવકારવા આવ્યો ન હતો અને એકલાઅટૂલા જ તેઓ સીધા પોતાની નિયત જગ્યાએ બેસી ગયા.
સ્ટેજ પરથી તેમને આવવા કહેવાયું ત્યારે રૂપાણી સાથે આવેલાં ગાર્ડ તેમને પાછલી હરોળમાંથી કોર્ડન કરી મંચ સુધી લઇ ગયા અને પછી તેમને શુભેચ્છા આપવા માટે સેંકડો ભાજપી નેતાઓ, ધારાસભ્યો અને કાર્યકર્તાઓની કતારો લાગી ગઇ. આ ઔપચારિકતા પછી તેઓ રાજ્યપાલ પાસે શપથવિધિનો સમય માગવાની ઔપચારિકતા માટે પ્રસ્થાન કરી ગયા હતા.
હુલામણું નામ ‘દાદા’
ભૂપેન્દ્ર પટેલે રવિવારે સાંજે અડાલજમાં પૂજ્યશ્રી દીપકભાઇ દેસાઇને મળીને તેમનું અભિવાદન અને આશીર્વાદ મેળવ્યા હતા. રાજકીય ક્ષેત્રે ઘણાં વર્ષોથી સક્રિય અને સૌ સાથે તાલમેલથી ચાલતા ભૂપેન્દ્ર પટેલ તેમના પરમ પૂજ્ય દાદા ભગવાન માટેના અનન્ય ભક્તિભાવને કારણે વિધાનસભા વિસ્તારમાં દાદા તરીકે પણ ઓળખાય છે. ઉપરાંત તેમણે અમિત શાહના ઘરે જઇને તેમના પત્નીની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
પત્નીને ટીવી પરથી સમાચાર મળ્યા
નવનિયુક્ત મુખ્ય પ્રધાનનાં પત્નીને સવાલ પૂછાયો કે તેમને ક્યારે ખબર પડી ત્યારે તેમણે ભૂપેન્દ્રભાઇ જેવો જ જવાબ આપ્યો હતો કે અમને તો તેની ખબર ન હતી. તેમણે જણાવ્યું હતું કે સાંજે ૪.૦૫ વાગ્યે અમને ટીવી દ્વારા ખબર પડી કે તેમનું નામ મુખ્યમંત્રી તરીકે જાહેર થયું છે. મેં તરત જ મારા પુત્રને ઊંઘમાંથી ઉઠાડીને સમાચાર આપ્યા. અમારા ઘરમાં કોઈ જ રાજકારણની વાતો થતી નથી, કેમ કે પરિવારમાં તેઓ માત્ર જ રાજકારણમાં છે. મંત્રીમંડળમાં તેમને ક્યારેક પદ મળે એવી અમને આશા હતી, પરંતુ તેઓ ચીફ મિનિસ્ટર બનશે એ તો ક્યારેય નહોતું વિચાર્યું.
૩૩ વર્ષ પહેલા ફટાકડા વેચતા હતા
મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની વરણી થતાં ઘાટલોડિયા વિસ્તારમાં જાણે વહેલી દિવાળી આવી ગઇ હોઇ એવો માહોલ સર્જાયો હતો. ઘાટલોડિયામાં તેમના કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તો તેમના ઘરે સગાં-મિત્રો ઊમટી પડ્યાં હતાં અને શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો. નવા ચીફ મિનિસ્ટરને ઘરે ખુશીનો માહોલ એવો હતો કે લાપસીના આંધણ મુકાયા હતા, જેથી તેઓ ઘેર આવે તો મોઢું મીઠું કરીને શુકન થાય. ભૂપેન્દ્ર પટેલ ૧૯૮૪માં હેતલબેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેમને એક દીકરો છે, જે એન્જિનિયર છે, જ્યારે દીકરી ડેન્ટિસ્ટ છે. તેમના પિતા અમદાવાદ પોલિટેક્નિકમાં પ્રિન્સિપલ હતા. જોકે ઘરમાં જરૂરિયાત જણાતાં જે-તે સમયે અમદાવાદ દરિયાપુરમાં વસતા ભૂપેન્દ્રભાઇએ ગાંધીરોડ પરથી હોલસેલમાં ફટાકડા લાવીને દરિયાપુરની ધતુરાની પોળમાં ૧૯૮૮માં તેનો ધંધો પણ કર્યો છે. સાદું ભોજન લેવા ટેવાયેલા ભૂપેન્દ્રભાઇ રોજ કલાક પૂજા કરે છે અને દાદા ભગવાન પંથમાં માને છે. કાર્યકર્તાઓ અને મિત્રોમાં તેઓ દાદા તરીકે જાણીતા છે.
ભૂકંપ પછી આર્થિક તકલીફમાં મુકાયા
સિવિલ એન્જિનિયરિંગ ભણનારા ભૂપેન્દ્રભાઇ ૧૯૮૮થી કન્સ્ટ્રક્શન લાઇન સાથે જોડાયેલા છે. તેમના પત્ની હેતલબેન સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે ૨૦૦૦ની સાલ સુધી તેઓ ફ્લેટની સ્કીમો બનાવીને સારું કમાયા. જોકે ૨૦૦૧માં ભૂકંપ આવ્યા પછી તેમના તૈયાર ફ્લેટો ન વેચાતાં તેઓ ફાઇનાન્સિયલી ડિસ્ટર્બ થઇ ગયા હતા. ૧૦ વર્ષે તેમનો ધંધો પાટે ચડ્યો હતો.
૯૧ વર્ષનાં સાસુ દીકરાની જેમ રાખે છે
ભૂપેન્દ્રભાઇનાં પત્ની હેતલબેન તેમનાં માતા-પિતાના એકના એક સંતાન હોઇ તેમના પિતાના અવસાન પછી તેમનાં માતા હાલમાં તેમની સાથે જ રહે છે. છેલ્લાં ૧૫ વર્ષથી સાથે રહેતા ભૂપેન્દ્રભાઇનાં સાસુ હાલમાં એકદમ સ્વસ્થ છે અને તેઓ તેમને દીકરાની જેમ રાખે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter