અમદાવાદઃ રાજ્યમાં મોસમની સાથે સાથે રાજકીય માહોલમાં પણ અણધાર્યો પલ્ટો આવ્યો છે. વિજય રુપાણીએ મુખ્ય પ્રધાનપદેથી વિદાય લીધી અને ભૂપેન્દ્ર પટેલે રાજ્યની શાસનધૂરા સંભાળી. રુપાણીએ રાજીનામું આપ્યાનો આંચકો શમ્યો નહોતો ત્યાં ભાજપ હાઇ કમાન્ડે તમામ અટકળ - ધારણાથી વિપરિત મુખ્ય પ્રધાનપદે અમદાવાદના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરીને બીજો આંચકો આપ્યો હતો.
રવિવારે પ્રદેશ ભાજપના વડા મથક કમલમ ખાતે મળેલી વિધાનસભ્યોની બેઠકમાં વિદાય લેતા મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ તેમના અનુગામી તરીકે ભૂપેન્દ્રભાઇના નામની દરખાસ્ત મૂકી અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે તેને સમર્થન આપ્યું.
રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી મંડરાય છે ત્યારે પક્ષે જ્ઞાતિ-જાતિ - પ્રદેશ સહિતના અનેક પરિબળને ધ્યાને લઇ સરકારના સુકાની બદલવાનો નિર્ણય કર્યો હોવાનું મનાય છે.
રાજભવનમાં સોમવારે યોજાયેલા સમારોહમાં ભૂપેન્દ્રભાઇએ ૧૭મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. આ પ્રસંગે પક્ષના વરિષ્ઠ નેતા અને ગૃહ પ્રધાન અમિત શાહ ઉપરાંત કેન્દ્રીય પ્રધાનો મનસુખ માંડવિયા, પુરષોત્તમ રુપાલા, દર્શનાબહેન જરદોશ, ચાર રાજ્યોના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત (ગોવા), શિવરાજસિંહ ચૌહાણ (મધ્ય પ્રદેશ), મનોહરલાલ ખટ્ટર, (હરિયાણા), બસવરાજ બોમ્માઇ (કર્ણાટક), વિજય રુપાણી, પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિત વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્યો હાજર હતા.
પ્રધાનમંડળની રચના બાકી છે, પરંતુ નવનિયુક્ત મુખ્ય પ્રધાન કામે લાગી ગયા છે. બેઠકોના દોર વચ્ચે મંગળવારે તેમણે ભારે વરસાદથી જળબંબાકાર રાજકોટ અને જામનગર જિલ્લાની મુલાકાત લઇને રાહત-બચાવ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું.


