ભૂપેન્દ્ર પટેલે પોતાના કાર્યાલયમાં નવા અધિકારીઓ નિમ્યા

Tuesday 21st September 2021 15:13 EDT
 
 

ગાંધીનગર: મુખ્યમંત્રી કાર્યાલયનો ચાર્જ સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ)ના તમામ આઇએએસ અધિકારીઓને બદલી નાખ્યા છે. અગાઉના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસને બદલે હવે નાણાં સચિવ પંકજ જોષી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ રહેશે. પંકજ જોષી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના ગણાય છે. ૧૯૮૯ બેચના આઇએએસ જોષીના બેચમેટ અને વેવાઇ કે. શ્રીનિવાસ વડા પ્રધાનના ખૂબ વિશ્વાસુ પૈકીના એક ગુજરાત કેડરના સનદી અધિકારી છે.
આ ઉપરાંત પટેલના સચિવ તરીકે હવે અશ્વિનીકુમારને સ્થાને અવંતિકાસિંઘ ઔલખ આવી ગયા છે. ૨૦૦૩ની બેચના આ મહિલા અધિકારી આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે અમદાવાદ કલેક્ટર તરીકે મૂકાયાં હતાં અને ત્યારથી તેમને ભૂપેન્દ્ર પટેલ સાથે નિકટતા છે.
સૌથી આશ્ચર્યજનક નિમણૂક ભરૂચ કલેક્ટર ડો એમ. ડી. મોડિયાની છે. હવે મુખ્યમંત્રી કાર્યાલયના ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી (ઓએસડી) મોડિયા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિકટના અધિકારી ગણાય છે.
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ તેમણે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે શંકરસિંહ વાઘેલાની સાબરકાંઠા બેઠક પરની પ્રચારસભાઓમાં વ્યવસ્થાપન કર્યું હતું.
તેઓ વિજય રૂપાણીના ઓએસડી દિપેશ શાહના સ્થાને આવ્યા છે.
જ્યારે રૂપાણીના અન્ય ઓએસડી અને આઇએએસ કમલ શાહને બદલે અહીં નૈમેષ દવેને લેવામાં આવ્યા છે. નૈમેષ દવે હાલ અમદાવાદ મહાનગરપાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter