ગાંધીનગરઃ મહાત્મા મંદિર ખાતે ત્રીજીએ યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાત એગ્રો એન્ડ ફુડપ્રોસેસીંગ સેમિનારમાં મહાનુભાવોની સાથે સાથે ગુજરાતનાં જુદા જુદા ગામડેથી ખેડૂતોને ભેગા કરવામાં આવ્યા હતા. સેમિનારમાં બપોરે આ ખેડૂતોની ભોજન વ્યવસ્થામાં ભારે અરાજકતાં સર્જાઇ હતી. છતાં ભોજને ખેડૂતોને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો હતો. આ અવ્યવસ્થાના કારણે રીતસર થાળીઓ ઉછળતી જોવા મળી હતી. જોકે, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે બચાવ કરતાં જણાવ્યું હતું કે, ખેડૂતો માટે તેમજ મહાનુભાવો માટે જમવાની પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી હતી, પરંતુ એક સાથે ખેડૂતો ભેગા થઇ જતાં આ સમસ્યા સર્જાઇ હોવાનું જાણવા મળ્યું છે.
વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત મહાત્મા મંદિર ખાતે એગ્રો એન્ડ ફુડપ્રોસેસીંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તેમજ કેન્દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાત્મા મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમની વાતો ગામડે ગામડે સુધી પહોંચે તે માટે ખેડૂતોને મોટી સંખ્યામાં ભેગા કરીને લાવવામાં આવ્યા હતા. આ ખેડૂતો માટે મહાત્મા મંદિર ખાતે ભોજનની વ્યવસ્થા કરાઈ હતી.


