મંત્રીમંડળમાં ૧૬ જિલ્લા પ્રતિનિધિત્વથી વંચિત

Sunday 26th September 2021 12:15 EDT
 
 

ગાંધીનગરઃ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના ૨૪ નવા મંત્રીઓની નવરચિત સરકાર કુલ ૧૭ જિલ્લાઓનું પ્રતિનિધિત્વ કરે છે. જોકે સિક્કાની બીજી બાજુ એ પણ છે કે ૧૬ જિલ્લાને મંત્રીમંડળમાં કોઈ જ પ્રતિનિધિત્વ અપાયું નથી. આમ નવી સરકાર પ્રાદેશિક અસમતુલાવાળી ધરાવતી ગણી શકાય. નવરચિત પટેલ સરકારમાં અમરેલી, આણંદ, અરવલ્લી, ભરૂચ, બોટાદ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, ભરૂચ, ડાંગ, તાપી, નર્મદા, કચ્છ, દાહોદ, છોટાઉદેપુર, પાટણ ઉપરાંત ટૂંક સમયમાં ચૂંટણી યોજાવાની છે તે ગાંધીનગર મહાનગરપાલિકાને આવરતા જિલ્લાના કોઈ ધારાસભ્યને મંત્રી બનાવાયા નથી.
પટેલ મંત્રીમંડળમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સાંસદ તરીકે જે જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે તે સુરત જિલ્લાને સૌથી વધુ ૪ મંત્રીઓ અપાયા છે. જેમાં પૂર્ણેશ મોદીને કેબિનેટ કક્ષાનો માર્ગ-મકાન, નરેશ પટેલને પણ કેબિનેટ કક્ષાનો આદિજાતિ વિકાસ વિભાગ તથા અન્ન-નાગરિક પુરવઠા વિભાગ, હર્ષ સંઘવીને રાજ્યકક્ષાનું ગૃહમંત્રીપદ તેમજ વિનોદ મોરડીયાને રાજ્યકક્ષાના શહેરી વિકાસ વિભાગ જેવા મહત્ત્વના ખાતા સોંપાયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ અમદાવાદ શહેરનું પ્રતિનિધિત્વ કરે છે ત્યાંથી આવતા પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના ઘનિષ્ઠ ગણાતા પ્રદીપ પરમારને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની કેબિનેટ કક્ષાની તથા જગદીશ પંચાલને ઉદ્યોગ તથા વન-પર્યાવરણની રાજ્યકક્ષાની જવાબદારી સોંપાઈ છે.
અગાઉ બોટાદમાંથી સૌરભ પટેલ, પાટણમાંથી દિલીપ ઠાકોર, કચ્છમાંથી વાસણ આહીર, દાહોદમાંથી બચુ ખાબડ મંત્રીમંડળમાં સ્થાન ધરાવતા હતા. આ ૪ જિલ્લાઓને આ વખતે કોઈ મંત્રી અપાયા નથી. એ પણ નોંધનીય છે કે, નવા મંત્રીમંડળમાં કપાયેલા અને પુરોગામી રૂપાણી સરકારમાં ત્રીજું સ્થાન ધરાવતા આર. સી. ફળદુ ગુજરાત પ્રદેશ ભાજપના એક સમયે પ્રમુખ પણ રહી ચૂક્યાં છે, એવા દિગ્ગજ નેતાની બાદબાકી કરીને એમના જામનગર જિલ્લામાંથી ભાજપ-કોંગ્રેસમાં આયારામ-ગયારામની ભૂમિકા ભજવનારા રાઘવજી પટેલને ફરી એક વખત મંત્રી બનાવાયા છે, જેઓ કેશુભાઈ પટેલ સરકારમાં મંત્રી હતા. કચ્છના ધારાસભ્ય નીમાબહેન આચાર્યને મંત્રીપદ જોઈતું હોવાનું કહેવાય છે, પણ એમને સ્પીકરપદ સોંપી દેવાયું છે. જ્યારે અન્ય ૧૫ જિલ્લામાંથી તો કોઈ ધારાસભ્યને મંત્રી બનાવાયા નથી તે હકીકત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter