મતદાન ન કરનારને રૂ. ૧૦૦થી ૩૦૦નો દંડ

Wednesday 24th June 2015 08:36 EDT
 

ગાંધીનગરઃ ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ફરજિયાત મતદાનના કાયદાનો અમલ કર્યા પછી અત્યારે તે માટેના નિયમો તથા દંડની જોગવાઇ નક્કી કરી રહી છે. જે મુજબ મતદાન ન કરનારને રૂ.૧૦૦થી લઇને રૂ. ૩૦૦ સુધીનો દંડ કરાશે. મતદાર મતદાન ન કરવાના યોગ્ય કારણો રજૂ કરશે તો દંડ ભરવો નહીં પડે. આ અંગેનું જાહેરનામું અને નીતિ-નિયમો ટૂંક સમયમાં જ પ્રસિદ્ધ થશે. તાજેતરમાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે આ અંગેની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે દંડ સિવાયના પણ અનેક વિકલ્પોની વિચારણા કરી હતી. પરંતુ તમામ વિકલ્પો મતદારોની મુશ્કેલી વધારનાર લાગતાં અંતે મામૂલી રકમનો દંડ કરવાની જોગવાઇ કરવાની વિચારણા આખરી તબક્કામાં છે. રાજ્ય સરકારે મતદારોને વધારે હેરાનગતિનો ભોગ ન બનવું પડે તેનો પણ વિચાર કર્યો છે. ફરજિયાત મતદાન સામે પ્રજામાં રોષ ફેલાય તે માટે મુક્તિની પણ અનેક જોગવાઇ કરી છે. બીજી તરફ સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીમાં જો ઉમેદવારના ઘરે શૌચાલય ન હોય તો તેઓ ચૂંટણી લડવા માટે માન્ય નહીં ગણાય તેવા સરકારના નિર્ણયને હાઇકોર્ટે યોગ્ય ઠેરવી તેની સામે દાહોદના કેટલાક ઉમેદવારોએ કરેલી પીટિશન જસ્ટિસ સી. એલ. સોનીએ ફગાવી છે. કેન્દ્રના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ રાજ્ય સરકારે નવેમ્બર ૨૦૧૪માં જ કાયદામાં સુધારો કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter