FBIના વડા કાશ પટેલે ગર્લફ્રેન્ડ એલેક્સિસ સાથે સગાઈ કરી

Wednesday 07th October 2026 09:22 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકાની ટોચની ઇન્વેસ્ટિગેશન એજન્સી FBIના ડાયરેક્ટર કાશ પટેલે કન્ટ્રી સિંગર અને પોલિટિકલ કોમેન્ટેટર એલેક્સિસ વિલ્કિન્સ સાથે સગાઇ કરી લીધી છે. બંનેએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ સમાચાર આપ્યા. એલેક્સિસે એન્ગેજમેન્ટ રિંગ દેખાડી લખ્યું કે, ‘હવે મામલો કાયદાના હાથમાં છે’. ઉલ્લેખનીય છે કે કાશ પટેલ 46 વર્ષના છે અને એલેક્સિસ 27વર્ષની છે.
કાશ પટેલ ભાદરણના વતની
કાશ પટેલનું પૂરું નામ કશ્યપ પ્રમોદ પટેલ (46વર્ષ) છે. તેમનો પરિવાર મધ્ય ગુજરાતના ભાદરણનો વતની છે. કાશ પટેલના વડવાઓ એક સમયે મોટી ખડકીમાં રહેતા હતા. જ્યારે તેમના ફુઆ અરુણભાઇ ધર્મજના વતની છે. સમયાંતરે માતા-પિતા યુગાન્ડામાં સ્થાયી થયા હતા અને 1970ના અરસામાં અમેરિકા આવીને વસ્યા હતા. થોડા સમય માટે તેમનો પરિવાર કેનેડામાં પણ રહ્યો હતો. કાશનો જન્મ 1980માં ન્યૂ યોર્કના ગાર્ડન સિટીમાં થયો હતો. કાશે કાયદાનો અભ્યાસ કર્યો છે. તેઓ અમેરિકાની રિચમંડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે. લો ગ્રેજ્યુએશન બાદ 2005માં તેઓ ફ્લોરિડાના સરકારી વકીલ બન્યા હતા. આ પછી તેઓ જસ્ટિસ ડિપાર્ટમેન્ટમાં જોડાયા હતા, જ્યાં તેઓ હાઈપ્રોફાઇલ આંતરરાષ્ટ્રીય આતંકવાદના કેસની જવાબદારી સંભાળતા હતા.
સમયના વહેવા સાથે 2015માં તેઓ ટ્રમ્પ સાથે જોડાયા અને થોડાક સમયમાં તેમણે ટ્રમ્પની કોર ટીમમાં સ્થાન મેળવી લીધું હતું. વર્ષ 2017માં, તેઓ ગુપ્તચર બાબતની ગૃહ સંસદીય પસંદગી સમિતિના સભ્ય બન્યા. તેમને રિપબ્લિકન પાર્ટી અને ટ્રમ્પની ખૂબ નજીક માનવામાં આવે છે. કાશ પટેલ ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ પોલિસી’ પ્રખર સમર્થક છે. તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન પણ ટ્રમ્પે કાશ પટેલને મહત્વની જવાબદારીઓ સોંપી હતી. તે સમયે કાશે આઇએસઆઇએસ, અલ-બગદાદી અને કાસિમ અલ-રિમી જેવા આતંકવાદી સંગઠનો સામેની કાર્યવાહીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
કાશ પટેલ આજે પણ ગુજરાતી હોવા અંગે ભારે ગૌરવ અનુભવે છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હું ગર્વ સાથે કહી શકું છું કે હું ગુજરાતી છું. કાશ પટેલે અયોધ્યામાં રામ મંદિરનિર્માણના પણ સમર્થક રહ્યા છે. જ્યારે જ્યારે કોઇએ રામ મંદિર નિર્માણની વિરુદ્ધ નિવેદન આપ્યું છે ત્યારે તેમને જડબાતોડ જવાબો પણ આપ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter