VYO ૨૫૦ બેડનું કોવિડ સેન્ટર ઉભું કરશે, ૨૫૦ ઓક્સિ બેંક મશીન અપાશે : વૈષ્ણવાચાર્યજી

Wednesday 21st April 2021 04:24 EDT
 
 

વડોદરાઃ કોરોના મહામારીમાં ધાર્મિક સંપ્રદાયો પણ વેક્સિનેશન પ્રોગ્રામ સહિત કોવિડ ગાઈડલાઈનની જનજાગૃત્તિમાં જોડાઈ અગત્યનો ભાગ ભજવ્યો છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વડોદરાના વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર અને દ્વારકેશલાલ મહારાજ સહિત રાજ્યના ૧૦ જેટલા ધર્મગુરૂઓ સાથે ઓનલાઈન બેઠક કરી હતી.
વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારે જણાવ્યું હતું કે, વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (વીવાયઓ) અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલ દ્વારા તેમજ વીવાયઓ સાથે સંલગ્ન અન્ય પ્રાઈવેટ ગેસ્ટ હાઉસના સહયોગમાં ૨૫૦ બેડ કોવિડ કેર સેન્ટર માટે આપવામાં આવશે. વ્રજરાજકુમારે મુખ્ય પ્રધાનને સુચન આપ્યું હતું કે, દરેક ધર્મ સંપ્રદાય તેમજ અનુયાયીઓ પાસે ઘણા બધા અતિથિ ભવનો છે. એ અતિથિ ભવનોને કોરોનાના દર્દીઓની પ્રાથમિક સારવાર માટે રાહત દરે આપવા જોઈએ. કારણ કે અત્યારે હાલની સ્થિતિમાં કોવિડ હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યા ખુબ વધારે છે. તેવા સમયે આ અતિથિ ભવનો દર્દીઓની સારવાર માટે ઉપયોગ થતા હોય તો સરકારને ઘણી મદદ મળી શકે છે.
જે લોકોને ફક્ત ૫ કે ૧૦ લીટર ઓક્સિજનની જરૂર હોય તેવા દર્દીઓ માટે ઓક્સી બેંક મશીન ઉપલબ્ધ છે. જેના માધ્યમથી ઘર બેઠા ઓક્સિજન મળી શકે અને સારવાર થઈ શકે છે. તો સરકારને સહયોગ આપવા વીવાયઓના માધ્યમથી આવા ૨૫૦ ઓક્સી બેંક મશીન ૭ થી ૧૦ દિવસ માટે જરૂરીયાતમંદ લોકોને નિ:શુલ્ક આપવામાં આવશે. જયારે પૂ. દ્વારકેશલાલજીએ જણાવ્યું હતું કે સંત સમાજ જે નિર્ણય લેશે તે પ્રમાણે તેનો અમલ કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter