અમે કોરોના લાવ્યા નથી, અમને મુક્ત કરોઃ ધરપકડ કરાયેલા શ્રમજીવીઓની આજીજી

Tuesday 31st March 2020 07:56 EDT
 

વડોદરાઃ વતન તરફ જતા આશરે ૫૦૦ શ્રમજીવીઓએ જિદ પકડતાં વડોદરા શહેર પોલીસે તેમની ધરપકડ કરીને સયાજીપુરા આવાસોમાં પૂરી દેતાં શ્રમજીવીઓએ ૩૦મી માર્ચે ભારે હોબાળો મચાવ્યો હતો. રોષે ભરાયેલા શ્રમજીવીઓ કહે છે કે, કોરોના વાઈરસ અમે નથી લાવ્યા, વિદેશીથી આવેલા લાવ્યા છે. અમને અમારા વતન જવા દો. બસની વ્યવસ્થા કરવી હોય તો કરો. નહીં તો અમે ચાલતા પણ જવા તૈયાર છે. શ્રમજીવીઓ કહે છે કે અહીં રહેવાની યોગ્ય સુવિધા નથી અને અમને કીડી જેટલું જમવાનું અપાય છે. તંત્ર દ્વારા એક તરફ લોકો ચારથી વધુ ભેગા ન થાય તે માટે કડક કાર્યવાહી કરી રહ્યું છે. બીજી તરફ તંત્ર દ્વારા જ સંખ્યાબંધ શ્રમજીવીઓને એક જ સ્થળે પોલીસ બંદોબસ્ત હેઠળ રાખી રહ્યું છે.

વડોદરામાં ૩૯૦૦ કુટુંબને ૨૮ દિવસ ઘરમાં રહેવું પડશે

કોરોના વાઈરસની મહામારી વડોદરામાં વધુ ન ફેલાય તે માટે વિદેશથી આવેલા તેમજ શંકાસ્પદ કોરોના પીડિત એવા કોરોન્ટાઈન કરાયેલા ૩૯૦૦ નાગરિકોને તેમના પરિવાર સાથે ૧૪ દિવસના બદલે ૨૮ દિવસ હોમ કોરોન્ટાઈન કરાશે તેવું તંત્ર દ્વારા ૨૭મી માર્ચે જાહેર કરાયું છે અને તેના માટે પોલીસ તંત્રને સાથે રાખી આરોગ્ય વિભાગ ફરજ પાડવામાં આવશે.

ભરૂચ પોલીસે ૨૫૦ જેટલા વાહનો ડિટેઇન કર્યાં

ભરૂચમાં લોકડાઉન દરમિયાન કામ વગર ઘરની બહાર નીકળેલા લોકો સામે ભરૂચ એ ડિવિઝન પોલીસે ૨૫૦ જેટલા વાહનો ભરૂચ પોલીસે ડિટેઇન કર્યાં છે. પોલીસે માસ્ક વિના નીકળેલા લોકોને માસ્ક પણ આપ્યા હતા.

આણંદ જિલ્લામાં ૮૩૦થી વધુ એબ્ઝર્વેશનમાં

આણંદ જિલ્લામાં ૨૩૩૫ મુસાફરોનાં ફોલોઅપ લેવાયાં છે. ૩૦મી માર્ચે આશરે ૮૩૩ લોકોને એબ્ઝર્વેશન હેઠળ રાખવાનો આંકડો આપવામાં આવ્યો છે.

લંડનથી પરત ફરેલી પોઝિટિવ યુવતી કોરોના ફ્રી થઈ

સુરતમાં પારલે પોઈન્ટની અને લંડનથી પાછી ફરેલી યુવતીની તબિયત સુધારા પર હોવાના સંકેત મળ્યાં છે. પીડિત યુવતીને કોરોના પોઝિટિવ આવતાં તેને સારવાર હેઠળ રખાઈ હતી હવે તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેણીને સંપૂર્ણ સ્વસ્થ જાહેર કરાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter