અમેરિકી દંપતીએ ગોધરા ચિલ્ડ્રન હોમમાંથી ૩ વર્ષની બાળકીને દત્તક લીધી

Wednesday 18th December 2019 06:02 EST
 
 

ગોધરાઃ અમેરિકાના કેન્સાસમાં વસતા કેન્ટ અને બ્રૂક હેકમેન નામના દંપતીએ ગોધરાના ચિલ્ડ્રન હોમમાંથી તાજેતરમાં ૩ વર્ષની સ્તુતિ નામની બાળકીને દત્તક લીધી છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કલેકટરના હસ્તે ૧૧મી ડિસેમ્બરે બાળકી સોંપવામાં આવી ત્યારે લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા. બાળકીને દત્તક લેનાર માતા બ્રૂક હેકમેને જણાવ્યું હતું કે વર્ષો અગાઉ એક અમેરિકન દંપતીએ તેમને પણ કોલકાતાથી દત્તક લીધા હતા અને પ્રેમ તેમજ એક ઉત્તમ જીવન જીવવાની તક પૂરી પાડી હતી. તેથી તેઓ હંમેશાથી એક બાળક દત્તક લઈ તેને પ્રેમ અને પરિવાર આપવાની ઈચ્છા ધરાવતા હતા. સ્તુતિને દત્તક લેવા સાથે આ ઈચ્છા પૂરી થઈ છે. કેન્ટ હેકમેને કહ્યું કે, પ્રેમ અને પ્રેમાળ પરિવાર દરેક બાળકની જરૂરિયાત અને અધિકાર છે અને તે દિશામાં બનતા પ્રયાસો કરવા આપણી ફરજ છે. ચિલ્ડ્રન હોમમાં બ્રૂકે ઉચ્ચારેલા આ શબ્દો જાણે ગુજરાત સરકારની અનાથ બાળકોનું પુનઃસ્થાપન કરવાની પ્રતિબદ્ધતાનો પ્રતિઘોષ છે.
પિતા કેન્ટ હેકમેને જણાવ્યું હતું કે, બાળક દત્તક લેવા માટે નોંધણી કરાવ્યા બાદ વેબસાઈટ પર સ્તુતિનો ફોટો જોતાની સાથે તેમને અને પત્ની બ્રૂકને બાળકી સાથે વાત્સલ્ય અનુભવાયું હતું અને તેમણે તેને દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે તેઓ બાળકીની લર્નિંગ ડિસએબિલિટીઝથી અવગત છે અને તેનો સારો વિકાસ થાય તે માટે શ્રેષ્ઠ થેરાપી અને શિક્ષકો ઉપલબ્ધ કરાવશે. કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, સ્તુતિને એક પ્રેમાળ પરિવાર મળ્યો છે, જેનો અમને આનંદ છે. બાળકી અને પરિવારને તેમના સારા ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવતા તેમણે ઉમેર્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર ચિલ્ડ્રન હોમમાં રહેતા તમામ બાળકોનું સારી જગ્યાએ પુનઃસ્થાપન કરવા કટિબદ્ધ છે.
ચિલ્ડ્રન હોમ ખાતેના મેનેજર અને કો-ઓર્ડિનેટર ઈલાબહેન જોષીએ જણાવ્યું હતું કે બે વર્ષ અગાઉ સ્તુતિને ગોધરા ચિલ્ડ્રન હોમ લાવવામાં આવી ત્યારે તેનો માનસિક અને શારીરિક વિકાસ તેની ઉંમરની તુલનામાં મંદ હતો. ચિલ્ડ્રન હોમમાં સતત સારવાર અને હૂંફને પરિણામે તે ચાલતા થઈ છે અને થોડાક શબ્દો બોલતા પણ શીખી છે. તેમણે જણાવ્યું હતું કે હેકમેન પરિવારરૂપે સ્તુતિને મળેલ પ્રેમાળ પરિવાર અને તેની હૂંફ તેને ઝડપી વિકાસ કરવામાં મદદરૂપ સાબીત થશે. આ પ્રસંગે શહેરાના પ્રાંત અધિકારી દિલીપ દેસાઈ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જે.એચ.લખારા અને ચિલ્ડ્રન હોમના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter