અર્જુન પ્રજાપતિનો આઇક્યુ છે 141ઃ 4 વર્ષની વયે 3000 પુસ્તકો વાંચી નાંખ્યા છે

Wednesday 28th October 2026 05:37 EDT
 
 

ટોરોન્ટોઃ મધ્ય ગુજરાતના વતની અને હાલ કેનેડામાં વસતા માત્ર ચાર વર્ષના અર્જુન પ્રજાપતિએ આઇક્યુ ટેસ્ટમાં 141નો સ્કોર હાંસલ કરી વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત હાઈ-આઈક્યુ સોસાયટીઓ મેન્સા ઇન્ટરનેશનલ અને ઇન્ટરટેલમાં સભ્યપદ પાક્કું કર્યું છે. માસુમ અર્જુનની આ અદભુત પ્રતિભાને બિરદાવવા 29 ઓક્ટોબરે ઓન્ટારિયો લેજિસ્લેટિવ એસેમ્બલીમાં વિશેષ સન્માન કાર્યક્રમ પણ યોજાયો છે. તો અર્જુનની સિદ્ધિ બદલ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની અને ઓન્ટારિયોના પ્રીમિયર ડગ ફોર્ડ માતાપિતા મહિતા અને વિશાલ પ્રજાપતિને અભિનંદન પાઠવી ચૂક્યા છે.
મૂળ વડોદરાના વતની અર્જુનના પિતા ડો. વિશાલ પ્રજાપતિ ફિઝિશ્યન અને ક્લિનિકલ રિસર્ચર છે જ્યારે માતા મહિતા વકીલ છે. ભણેલાગણેલા પેરન્ટ્સે દીકરામાં ખૂબ નાની ઉંમરથી વાંચન પ્રત્યેનો પ્રેમ રોપ્યો હતો જેણે આજે અર્જુનને બહુ નાની વયે ઉચ્ચ બૌદ્ધિકોની ક્લબમાં સ્થાન અપાવ્યું છે.
જે ઉંમરે બાળકો હાથમાં પાટી-પેન પકડીને વાંચવા-લખવાનું શરૂ કરે એ ઉંમરે અર્જુન પ્રજાપતિએ સેંકડો પુસ્તકો વાંચી નાખ્યા છે. તે જ્યારે માત્ર 18 મહિનાનો હતો ત્યારથી વાંચતો થઈ ગયો હતો અને અત્યાર સુધીમાં તે 3000થી વધુ પુસ્તકો વાંચી ચૂક્યો છે. આ માટે તેની ઊંચી બૌદ્ધિક ક્ષમતા કારણભૂત છે. થોડા સમય પહેલાં તેનો ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ (આઇક્યુ) ટેસ્ટ કરવામાં આવ્યો તો તેણે 141 પોઇન્ટ મેળવ્યા હતા.
ઉચ્ચ શિક્ષિત પેરન્ટ્સે દીકરામાં ખૂબ નાની ઉંમરથી વાંચન પ્રત્યેનો પ્રેમ રોપ્યો હતો. અને તે આ ઉંમરે કોમિક્સ કે વાર્તા વાંચે છે એવું નથી. તેને ગણિત, ખગોળવિજ્ઞાન, ઇતિહાસ, બાયોલોજી અને ઉત્ક્રાંતિની પ્રક્રિયા જેવા વિષયોમાં ખૂબ રસ પડે છે. તે ‘બ્લેક હોલ શું છે?’, ‘બિગ બેંગ પહેલા શું હતું?’ અને ‘ઇન્ફિનિટી (અનંત)માંથી ઇન્ફિનિટી બાદ કરીએ તો શું થાય?’ જેવા જટિલ પ્રશ્નોના જવાબો શોધે છે.
તેમના ઘરમાં તો અલાયદી લાઇબ્રેરી જેવું છે જ, પણ ડો. વિશાલ તેમની કારમાં પણ હંમેશાં આઠથી દસ પુસ્તકો રાખે છે. આમ, ટ્રાવેલ કરતી વખતે અર્જુન કદી બોર થતો નથી. તેની પાસે વાંચવા માટેના અઢળક ઓપ્શન્સ હોય છે.
ડો. વિશાલ કહે છે, ‘પહેલાં અમે તેને તસવીરો સાથે વૈજ્ઞાનિક વાતો સમજાવી હોય એવાં અંગ્રેજી પુસ્તકો વાંચવા આપતા હતા. એ પછી તેની મમ્મીએ તેને રીડિંગ કરતાં શીખવ્યું. હવે તેને પોતાને રીડિંગનો એટલો શોખ છે કે તે જાતે જ કઈ બુક વાંચવી એ સિલેક્ટ કરે છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter