અવિચલદાસજી મહારાજની ૬૭મી વર્ષગાંઠે ૬૭ દીકરીઓનાં લગ્ન

Wednesday 09th May 2018 07:25 EDT
 
 

આણંદઃ વિવિધ જ્ઞાતિઓનાં જરૂરતમંદ પરિવારોની કન્યાઓનો સમૂહલગ્નોત્સવ યોજવાની સત્તર વર્ષથી ચાલી રહેલી પરંપરા પ્રમાણે આ વખતે પણ આણંદ જિલ્લાના સારસામાં ૬૭ કન્યાઓની વિદાયના ભાવવિભોર દૃશ્યો સર્જાયા હતા. અવિચલદાસજી મહારાજની ૬૭મી વર્ષગાંઠે ૬૭ યુગલો સત્ કૈવલ સમૂહલગ્નોત્સવમાં લગ્નબંધને બંધાયા હતા. સત્ કૈવલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૫૦૦ જેટલી દીકરીઓના વિનામૂલ્યે લગ્ન કરાવાયાં છે. ૬૭ કન્યાના વિદાય પ્રસંગે આચાર્ય અવિચલદાસજી મહારાજે જણાવ્યું હતું કે, ગજા બહાર દેવું કરી, ખોટા બોજા હેઠળ કચડાવાના બદલે ગુજરાતના જરૂરતમંદ પરિવારો વિનામૂલ્યે સમૂહ લગ્નોત્સવમાં ભાગ લેવા આણંદ જિલ્લાના ગુરુગાદી સારસાપુરીનો સંપર્ક સાધે અને પોતપોતાની જ્ઞાતિઓની કન્યાઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરતી સંસ્થાઓ અન્ય જ્ઞાતિઓની ગરીબ કન્યાઓનો પણ પોતાના આયોજનમાં સમાવેશ કરે.
કૈવલજ્ઞાન પીઠાધીશ્વર પ.પૂ. આચાર્ય શ્રી અવિચલદાસજી મહારાજે સમાજને એક અપીલ કરતાં જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા પ્રમાણે જન્મદિન જેવા જીવનના શુભ અવસરોએ સમાજસેવામાં વિશેષ પ્રદાન કરવું જોઈએ.
ભક્તિ, શિક્ષણ અને આરોગ્ય સહિત અનેક પ્રકારે સમાજસેવા કરી રહેલા જ્ઞાન સંપ્રદાય ગુરુગાદી સારસાપુરીના ગાદીપતિ અને પ્રતિષ્ઠિત અખિલ ભારતીય સંતસમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ આચાર્યશ્રી અવિચલદાસજી દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં આવતા વર્ષે જે મા-બાપ પોતાની દીકરીના લગ્ન કરાવવા માગતા હોય તેમણે ફોન નં. (૦૨૬૯૨) ૨૭૨૭૨૭ અથવા ૨૭૦૨૬૬ પર સંપર્ક સાધવા આ સમૂહ લગ્નોત્સવમાં વિનંતી કરાઈ હતી. આ સમૂહ લગ્નોત્સવમાં દરેક કન્યાને રૂ. ત્રીસેક હજારની જીવનજરૂરિયાતની પ્રાથમિક વસ્તુઓ કરિયાવર તરીકે અપાઈ હતી અને વર-વધૂ પક્ષના ૮૦ મહેમાનોના ભોજનની તથા ઊતારાની વ્યવસ્થા વિનામૂલ્યે કરાઈ હતી. ઢોલ-નગારા, આતશબાજી અને વરઘોડાની ધામધૂમ સાથે આ સમૂહ લગ્નોત્સવમાં આચાર્યશ્રીના અનુયાયીઓ સેવા આપવા માટે સેંકડોની સંખ્યામાં એકત્રિત થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter