આણંદના પટેલ યુવકનું આફ્રિકામાં અકસ્માતે મોતઃ વતનમાં અંતિમવિધિ

Thursday 22nd February 2018 01:47 EST
 
 

દારેસલામઃ ઉમરેઠ તાલુકાના ભાટપુરા ગામના તથા હાલ ઉમરેઠની યમુનાપાર્ક સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઈ પટેલ તથા નયનાબહેનના ૩૨ વર્ષીય પુત્ર નીલકંઠભાઇ પટેલ પત્ની સોનલબહેન તથા પુત્ર સમર્થ સાથે આફ્રિકાના દારેસલામ શહેરમાં છેલ્લાં છ વર્ષથી રહેતા હતા. નીલકંઠ જીલી સન ફાર્મસી નામની કંપનીમાં માર્કેટિંગ મેનેજરની જોબ કરતા હતા. નીલકંઠ પટેલની નોકરીનું સ્થળ તેમના રહેઠાણના સ્થળથી પાંચ કિલોમીટર દૂર હોઇ તે બાઈક લઈને નોકરી પર જતા હતા. દારેસલામના કમાટા પોલીસ સ્ટેશનની સામે આવેલા પુગુ હાઇવે ઉપર તાજેતરમાં પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારની નીલકંઠ અડફેટે આવી ગયા હતા અને હવામા ફંગોળાઈ રોડ પર પટકાઈને કારની નીચે આવી ગયા હતા. આ બનાવમાં તેને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને પગલે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેની અંતિમક્રિયા વતનમાં કરાઈ હતી.
કંપની દ્વારા સહાય
નીલકંઠના નાના ભાઇ યોગીન પટેલે જણાવ્યું હતું કે, તેમનો પરિવાર બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા સાથે સંકળાયેલો છે. સંસ્થા તથા નીલકંઠ જે કંપનીમાં જોબ કરતો હતો તે કંપની દ્વારા ફંડની વ્યવસ્થા કરવામાં આવી છે. જે નીલકંઠની પત્ની તથા તેના આઠ માસના પુત્રને આપવામાં આવશે. નોંધનીય છે કે, નીલકંઠની સાથે તેનો ભાઈ તેમજ તેની બે બહેનો પણ આફ્રિકામાં સ્થાયી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter