આણંદમાં એનઆરજીઓની મિટિંગ યોજાઇ

Tuesday 23rd January 2018 15:08 EST
 

આણંદ: ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી પ્રતિષ્ઠા (જીએસએન, આરજીએફ) ગાંધીનગર, એનઆરજી વિ. વિ. નગરના સંયુક્ત ઉપક્રમે આણંદમાં એનઆરઆઈ - એનઆરજી મિટિંગ યોજાઈ ગઈ. આ કાર્યક્રમમાં એનઆરઆઈ સેન્ટર આણંદના ચેરમેન અને સરદાર પટેલ એજ્યુ. ટ્રસ્ટ આણંદના મેનેજિંગ ટ્રસ્ટી ભીખુભાઈ એન. પટેલ અન્ય મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ડો. ધવલભાઈ પટેલે જણાવ્યું હતું કે એનઆરજીઓને મલ્ટી ઈસ્યુ હોય છે. તેઓના ઇસ્યુને ઉકેલવા અમે તમામ પ્રયત્નો કરીએ છીએ. અહીંની એજ્યુ. અને હેલ્થકેર સંસ્થાઓના લોકો બહાર ગયા અને બે પાંદડે થયા તેઓએ પોતાની માતૃભૂમિનું ઋણ ચૂકવવા ખુલા દિલથી પૈસા આપ્યા છે. કાર્યક્રમના પ્રમુખ ભીખુભાઈ એન. પટેલ અને દુખ્યાબંધુ રથે સંયુક્તપણે જાહેરાત કરી હતી, કે સમગ્ર વિશ્વમાંથી અને ભારતભરમાં વસતા એનઆરઆઈ, એનઆરજી આગામી ૧લી જુલાઈ ૨૦૧૮થી જૂના વસ્ત્રો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની કોઈપણ શાખામાં કે સરદાર પટેલ એજ્યુ. ટ્રસ્ટમાં આવેલા એનઆરજી સેન્ટરમાં જમા કરાવી શકશે. આ જૂના વસ્ત્રોનું ગુજરાતના સ્લમ વિસ્તાર ગામડામાં વસતા ગરીબ લોકોને વિતરણ કરવામાં આવશે. ૧લી જુલાઈએ એસબીઆઈ ડે હોવાથી આ દિવસથી આયોજનનો પ્રારંભ કરવામાં આવશે. આ કાર્યને ગુજરાત એનઆરજી ફાઉન્ડેશન, એનઆરજી સેન્ટર અને એસબીઆઈએ સાથ અને સહકાર આપવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે મુખ્ય વક્તા જય વસાવડાએ ગુજરાતી ડાયસ્પોરા અને એનઆરજી અને એનઆરઆઈને વતન પ્રત્યેની પ્રવૃત્તિઓ અને સેવાઓ વિશે વકતવ્ય આપ્યું હતું. અંતે આભારવિધિ ડો. ડી. યુ. પટેલે કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter