આણંદમાં સ્વ. લલિતાબા વિઠ્ઠલભાઈ પટેલ પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું ઉદઘાટન

Saturday 02nd July 2022 13:18 EDT
 
 

આણંદ: શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ-ચાંગા સંચાલિત સ્વ. લલિતાબા વિઠ્ઠલભાઈ પટેલ (રામોલ/મુંબઈ) પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું ઉદઘાટન 24મી જૂન દાતા અને કેળવણી મંડળના ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ વી. પટેલના હસ્તે કરાયું હતું. ઉલ્લેખનીય છે કે ધોરણ 1થી 8ની આ સ્કૂલ માટે સ્વ. લલિતાબા પટેલ પરિવારે રૂ. 62 લાખનું દાન આપ્યું છે.

સમારંભના પ્રમુખસ્થાને ચારુસેટ યુનિવર્સિટીના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, મુખ્ય મહેમાન તરીકે પેટ્રન-દાતા મનુભાઈ પી. ડી. પટેલ, માનદ મંત્રી ડો. એમ. સી. પટેલ, સહમંત્રી વિપુલભાઈ પટેલ, કિરણભાઈ પટેલ (નરસંડા), ઉપપ્રમુખ કિરણભાઈ આઈ. પટેલ, ઉપપ્રમુખ નવનીતભાઈ પટેલ, વી. એમ. પટેલ, હેમંતભાઈ પટેલ (વકીલ), ચંદ્રકાંત પટેલ (એક્ટર), પલ્લવીબેન પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડો. આર.વી. ઉપાધ્યાય તેમજ દાતા પરિવારના સભ્યો ખાસ હાજર રહ્યા હતા.
ડો. એમ. સી. પટેલે જણાવ્યું કે પ્રારંભથી જ દાતા પરિવાર આપણી સંસ્થા સાથે જોડાયેલો છે અને અત્યાર સુધીમાં પરિવારે રૂ. 3.25 કરોડનું માતબર દાન આપ્યું છે. ચારુસેટ-PDPIAS ના પેટ્રન-દાતા શ્રી મનુભાઈ પી. ડી. પટેલે પણ ચારુસેટ કેમ્પસને રૂ. 15 કરોડથી વધુ દાન આપ્યું છે. આમ દેશવિદેશના દાતાઓએ સંસ્થાને કરોડો રૂપિયાનું માતબર દાન આપ્યું છે. દાતાઓના દાનની સાથે સાથે આપણી સંસ્થાઓને સંતોના આશીર્વાદ પ્રાપ્ત થયા છે ત્યારે BAPSના શાસ્ત્રીજી મહારાજનું નામ ચારુસેટ કેમ્પસ સાથે સંકળાય તેવા આપણે સૌ સહિયારા પ્રયાસો આદરીએ.
દાતા ચંદ્રકાંત પટેલે જણાવ્યું કે આ સ્કૂલ ચાર જ માસમાં તૈયાર થઈ છે જેનો વિશેષ આનંદ છે. તેમણે આગામી સમયમાં પણ જરૂરિયાત પ્રમાણે આર્થિક સહયોગ આપવા ખાતરી આપી હતી.
સુરેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે આજે આ પ્રાઇમરી સ્કૂલ શરૂ થતાં અધૂરી લિન્ક પૂરી થઈ છે. હવે અહીં પહેલા ધોરણમાં દાખલ થયેલો વિદ્યાર્થી ચારુસેટમાં પીએચ.ડી. સુધી અભ્યાસ કરી શકશે તેનો વિશેષ આનંદ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter