આબે દંપતી અને વડા પ્રધાન મોદી સંખેડાની ખુરશી પર બિરાજતાં કારીગરો હરખાઈ ઊઠ્યા

Wednesday 20th September 2017 09:31 EDT
 
 

સંખેડા: જાપાનના વડા પ્રધાન શિંજો આબે તેમની પત્ની અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ પ્રસિદ્ધ સંખેડાના સોનેરી ફર્નિચર ઉપર બિરાજમાન થતાં વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરોમાં આનંદની લાગણી ફેલાઇ છે. અગાઉ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ સંખેડાના સોનેરી ઝૂલા ઉપર ઝૂલી ચૂક્યા છે.
સમગ્ર વિશ્વમાં સંખેડામાં બને છે એવું સોનેરી ફર્નિચર ક્યાંય બનતું નથી. હસ્તકલાથી તૈયાર થતા ફર્નિચરની દેશ વિદેશમાં પણ સારી એવી માગ છે અને એટલે જ્યારે જ્યારે કોઈ વિદેશી મહેમાન આવે ત્યારે તેમને સંખેડાના વિશ્વ પ્રસિદ્ધ સોનેરી ફર્નિચરમાં તૈયાર થતા ખુરશી કે ઝૂલા ઉપર બેસાડાય છે.
અગાઉ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે સાબરમતી રિવર ફ્રન્ટ ઉપર તેઓ સંખેડાના ઝૂલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઝૂલ્યા હતા.
તાજેતરમાં જાપાનના વડા પ્રધાન શિંજો આબે અને તેમના પત્ની અકી આબે અમદાવાદમાં સંખેડાની સોનેરી ખુરશી પર બેઠા હતા. સંખેડાના સોનેરી ફર્નિચર પર નામી હસ્તીઓ બિરાજે છે તેથી કારીગરોમાં આનંદની લાગણી છવાય છે. સંખેડા ખરાદી સમાજના પ્રમુખ ભીખાભાઇ ખરાદીના જણાવ્યા મુજબ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તેઓ આભારી છે. જે રીતે સંખેડા સોનેરી ફર્નિચરને તેઓએ વિશ્વના ફલક ઉપર વધુ જાણીતું કર્યું છે. એનાથી આ વ્યવસાયના કારીગરોમાં ભારે હરખ દેખાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter