એનઆરઆઈઓ દ્વારા દાન કરાયેલા વસ્ત્રોનું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા વતનમાં વિતરણ કરશે

Wednesday 07th March 2018 07:38 EST
 
 

આણંદ: શહેરના સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના કેમ્પસમાં આવેલા ચંચળબા હોલ ઓડોટોરિયમમાં તાજેતરમાં એનઆરજી, એનઆરઆઇ મીટનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં આશરે ૪૫૦ વિદેશવાસીઓ હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમનું આયોજન એસબીઆઇ અને સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા
થયું હતું. કાર્યક્રમના અંતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)ના ચીફ જનરલ મેનેજર દુખબંધુ રથ અને આણંદના એનઆરજી સેન્ટરના ચેરમેન ભીખુભાઈ પટેલે મહત્ત્વની જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં જણાવાયું હતું કે, એસબીઆઇની ૧૪૦૦ બ્રાન્ચમાં એનઆરઆઇ કે એનઆરજી તેમના જૂના વસ્ત્રો એસબીઆઇની કોઇ પણ બ્રાન્ચમાં જમા કરાવી શકશે. પહેલી જુલાઇએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો જન્મદિવસ હોવાથી પહેલી જુલાઈ, ૨૦૧૮થી વિદેશ વાસીઓ જૂના વસ્ત્રો એસબીઆઈની શાખામાં જમા કરાવી શકશે તેવી જાહેરાત મીટમાં કરાઈ હતી. તે વસ્ત્રો ગુજરાતનું એનઆરજી ફાઉન્ડેશન એકત્રિત કરશે અને જરૂરિયાતમંદ લોકોને પહોંચાડશે.
ભીખુભાઈ પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે વિદેશમાં લોકો વસ્ત્રો ઝાંખા થાય એટલે ફેંકી દેતા હોય છે. પહેરેલાં વસ્ત્રોનો બીજો કોઇ ઉપયોગ થતો નથી તો આવાં વસ્ત્રો ગુજરાતનાં ગરીબ લોકો પહેરી શકે એ માટે આ પહેલ કરવાનો વિચાર છે.
આ જાહેરાત બાદ ભરતભાઈ પટેલે કહ્યું કે, અમેરિકાના ન્યૂ જર્સી શહેરમાં ‘કસ્ટમ ડ્રાઇગ ઇન્ક’ નામની ફેકટરીમાં આવા વસ્ત્રોના કલેશનનું સેન્ટર શરૂ કરી શકાય. જો આ વસ્ત્રો મોકલવાનો ખર્ચ જોઇતો હોય તે અંગે પણ ફાઉન્ડેશન વિચારી શકે. આમ કેરીંગ એન્ડ શેરીગનો ઉદ્દેશ હોવાની વાત દોહરાવવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter