ઓછી ઊંઘથી વડોદરાના શિક્ષકે અનોખી શક્તિ કેળવી

Friday 15th May 2015 06:10 EDT
 

વડોદરાઃ ધ્યાન, યોગ અને ઓછી ઊંઘથી વ્યક્તિની સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવામાં મદદ મળે છે તેવું સાબિત થઇ રહ્યું છે. સ્વામી વિવેકાનંદ, આલ્બર્ટ આઇન્સ્ટાઇન, નરેન્દ્ર મોદી જેવા મહાનુભાવો ગણતરીના કલાકોની જ ઊંઘ લઇને પણ સફળ થઇ શક્યા છે.

વડોદરાના એક યુવા શિક્ષકે પણ કંઇક આવી જ નીતિ-રીતિ અપનાવી ને સફળતા મેળવી છે. ટ્યુટર રાકેશ પટેલે સતત ૧૭૪ કલાક (૭ દિવસ અને છ કલાક) સુધી જાગવાનો વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો છે. આ પૈકીના ૧૫૪ કલાકો સુધી સતત વિદ્યાર્થીઓ સમક્ષ ધોરણ ૮, ૯ અને ૧૦ ના પટેલે ગણિત વિષે લેક્ચર આપ્યા હતા.

ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં આ કામગીરીને ગણિત વિષેના સહુથી લાંબા સત્ર તરીકે બિરદાવીને એની વર્લ્ડ રેકોર્ડરૂપે નોંધ લેવાઇ છે. ૬મેથી ૧૩મે દરમિયાન રાકેશ પટેલે આ સિધ્ધિ મેળવી હતી. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી રોજ ત્રણથી ચાર કલાકની જ ઊંઘ લે છે.

શિક્ષિકા પત્ની ભક્તિબહેન પટેલની પ્રેરણાથી રાકેશભાઇએ મન પર નિયંત્રણ મેળવી પોતાના બંને હાથને અલગ-અલગ દિશામાં ફેરવી એટલે કે એક હાથને ક્લોકની દિશામાં અને બીજા હાથને એન્ટિક્લોકની દિશામાં ફેરવીને એક મિનિટમાં ૨૫૨ આંટા પૂરા કરી બીજો વિક્રમ નોંધાયો છે.

૩૪ વર્ષના આ કોમર્સ ગ્રેજ્યુએટે જુદીજુદી વ્યક્તિઓ પાસેથી ૧૦૮ શબ્દો સાંભળ્યા એ પછી માત્ર ૪૭ સેકંડમાં કોઇ ભૂલ વગર એ બધા શબ્દોને ક્રમાનુસાર બોલી બતાવ્યા આ રીતે એમણે ત્રીજો વિક્રમ નોંધાવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter