કરનાળીમાં શ્રીરામચરિત માનસ પારાયણ કણ્વ ઋષિની તપોભૂમિમાં પૂણ્યાત્માઓનું તર્પણ

- જ્યોતિષી ભરત વ્યાસ, રાજપીપળા Tuesday 06th February 2018 14:00 EST
 
 

કરનાળીઃ પૂણ્ય સલિલા પતિત પાવની મા નર્મદાજીના પવિત્ર તટ ઉપર કણ્વ ઋષિની તપોભૂમિ શ્રી કુબેરભંડારી મહાદેવ મંદિર (કરનાળી)ના સાંનિધ્યમાં સી. બી. પટેલ પરિવાર દ્વારા સમસ્ત માતૃ-પિતૃઓની પૂણ્યસ્મૃતિ તર્પણ અર્થે આયોજિત શ્રી રામચરિત માનસ નવાહ્ન પારાયણ ‘શ્રીરામ કથા’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગના શુભારંભે શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરના વ્યવસ્થાપક રજનીભાઈ પંડ્યાના નિવાસસ્થાનેથી ઢોલ-નગારાના કર્ણપ્રિય નાદ સાથે કલશધારી નાની બાળાઓ તથા પોથીધારી બહેનો સાથે શ્રી પોથીજીની શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રાના શુભારંભે જ્યોતિષી ભરત વ્યાસ (રાજપીપળા) અને દક્ષયભાઈ જોશી (રાજપીપળા)એ કથાના મુખ્ય યજમાન શ્રી સી. બી. પટેલ, જનાર્દનભાઈ પટેલ, ઈન્દુબહેન પટેલ, કલ્પનાબહેન તથા સુભાષભાઈ પટેલ તેમજ અન્ય ઉપસ્થિત પરિવારજનો વિષ્ણુભાઈના પત્ની અનિલાબહેન, પુત્રી સુજલબહેન, જમાઈ મનીષકુમાર રાજપૂતના હસ્તે શ્રી પોથીજીપૂજા અને પૂજ્ય કથાકાર રમણિકભાઈ દવે (શાસ્ત્રીજી)નું પૂજન કરાવવામાં આવ્યું હતું. નાની બાળાઓના પૂજન બાદ ‘નર્મદે હર...’ના ગગનભેદી નારા સાથે વાજતેગાજતે પોથીજી યાત્રા શરૂ થઇ હતી. આ પ્રસંગે શ્રી સી. બી. પટેલે સ્વયં શ્રીપોથીજીને માથા ઉપર મૂકીને યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. શોભાયાત્રામાં અનેક ભાવિક ભક્તો, ગ્રામજનો જોડાયા હતા.
વ્યાસાસને બિરાજમાન કથાકાર પૂ. શાસ્ત્રીજી રમણિકભાઈ દવેએ શુભારંભે શ્રીરામ કથા પોથીજીનું પૂજન કર્યું હતું. બાદમાં સી. બી. પટેલે પૂ. શાસ્ત્રીજી રમણિકભાઈનું પુષ્પમાળાથી સન્માન કરીને ખેસ અને શાલ અર્પણ કર્યા હતા. સર્વે સ્વજનોએ વારફરતી પોથીજીનું પૂજન કર્યા બાદ સી.બી. પટેલે સ્વાગત પ્રવચન કરીને ભાવિકોને આવકાર્યા હતા. નવાહ્ન પારાયણ દરમિયાન ભારત ઉપરાંત યુકે, યુએસ, કેનેડા સહિત દેશ-વિદેશથી સ્વજનો અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ હાજરી આપીને શ્રીરામકથાનું રસપાન કર્યું હતું. આ તમામ મહેમાનોનું ખેસ, પુષ્પગુચ્છ તેમજ સ્મૃતિભેટથી સન્માન કરાયું હતું.
આશીર્વચન આપતા તિલકવાડા નિવાસી રંગઅવધૂત મહારાજ નારેશ્વરના પરમ ઉપાસક કથાકાર પૂ. વિરંચીપ્રસાદ શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે આવા પવિત્ર સ્થળ ઉપર કથાનું આયોજન જે ભાગ્યશાળીઓના લલાટે લખાયેલ હોય એ જ કરાવી શકે છે. શ્રીરામ કથા સાંભળનાર સર્વેના ઘરોમાં હંમેશા પ્રેમભાવ ટકી રહી છે. ભગવાન શ્રીકુબેર ભંડારી મહાદેવના આ સ્થાન ઉપર ત્રિવેણીસંગમનો અનેરો મહિમા છે. મા નર્મદાજીના તટ ઉપર માતૃ-પિતૃ તર્પણ કરવું એ દેવો અને પિતૃઓની કૃપા ન હોય તો થઈ જ ના શકે તેમ તેઓએ જણાવ્યું હતું. શ્રીકુબેર ભંડારી મહાદેવ મંદિરના વ્યવસ્થાપક પૂ. રજનીભાઈ પંડ્યાએ આશીર્વચન પાઠવીને મહાદેવ સ્થાનનો મહિમા સમજાવ્યો હતો.
સી. બી. પટેલે પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું કે, મારા પૂજ્ય પિતા બાબુભાઈ મણિભાઈ પટેલ કે જેઓ અહીં પૂ. નારાયણ સ્વામી અથવા તો પૂ. ગુરુજી બાબુભાઈ મહારાજશ્રી તરીકે પણ ઓળખાય છે તેમણે આ સ્થળને આધ્યાત્મિક કર્મભૂમિ બનાવી પાછળનું જીવન અહીં સેવાનિષ્ઠ બનાવ્યું હતું. મૃત્યુપર્યંત આ ભૂમિ સાથે તેઓનો નાતો હતો. હું પણ આઠ વર્ષની ઉંમરે આ ગામમાં પ્રાથમિક શાળાના પ્રથમ અને બીજા ધોરણમાં ભણ્યો હતો. જેથી આ ધરતી ઉપર અમારો લગાવ રહે એ સ્વાભાવિક છે. તેમજ મારા નાના ભાઈ જનાર્દનનો જન્મ આ ધરતી ઉપર થયો છે. આમ, ત્રિવેણીસંગમ સ્થળની આ દેવભૂમિનું મારું ઋણ ચૂકવવા માટેનો એક નાનો અવસર શ્રીરામ ચરિત નવાહ્ન પારાયણ દ્વારા લેસ્ટરના પૂ. શાસ્ત્રીજી રમણિકભાઈ દવે દ્વારા ‘શ્રીરામ કથા’ના રૂપમાં પૂર્ણતા પામી રહ્યો છે તે અમારા સૌ પરિવારનું સદભાગ્ય છે. નાનપણના મારા સંસ્મરણો આજે પણ મારી આંખ સામે તરવરે છે. જે મારા પરિવાર અને સ્વજનો માટે ગૌરવપ્રદ છે. આજે જ્યોતિષી ભરત વ્યાસ દ્વારા લેખિત-સંકલિત પુસ્તિકા ‘અગોચર સંતની અજાયબી’ અત્યારે સૌની સમક્ષ વિમોચન થઇ રહ્યું છે તેમાં અમારા પૂજ્ય પિતાશ્રીના સંસ્મરણોને તાજા કરાવનાર સૌ સ્મૃતિવર્યોને સન્માનિત કરવાનો અવસર સાંપડ્યો છે તેને પ્રભુકૃપા અને દેવાધિદેવ મારા ઈષ્ટદેવ મહાદેવજીની કૃપા લેખું છું. આપ સહુ ઉપસ્થિત સ્વજનો-ભાવિકોનું ઋણ સ્વીકારું છું.
શુભારંભે દીપપ્રાગટ્ય સાથે વેદઘોષ બાદ સૌ મહેમાનોના હસ્તે ભરત વ્યાસ (રાજપીપળા) સંપાદિત અને લેખિત પુસ્તિકા ‘અગોચર સંતની અજાયબી’નું વિમોચન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિતિ મહાનુભાવોનું પુષ્પગુચ્છ, ખેસ, શાલ અને સ્મૃતિભેટ અર્પણ કરીને સન્માન કરાયું હતું. આ પ્રસંગે કરનાળી પ્રાથમિક શાળા પરિવારના સભ્યોએ શાળામાં ઠંડા પાણીની સગવડ કરી આપવા
બદલ જનાર્દનભાઈ બી. પટેલ પરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
શ્રીરામ કથાના વક્તા લેસ્ટરના શાસ્ત્રીજી પૂ. રમણિકભાઈ દવેએ સી. બી. પટેલ અને પરિવાર દ્વારા માતૃ-પિતૃઓના તર્પણ માટે નર્મદા મૈયાના તટે કથાનું આયોજન કરવા બદલ સુખદ લાગણી દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે આ પ્રથમવાર સુભગ સમન્વય થયો છે કે, કથા કરાવનાર યજમાન પણ પરદેશની ધરતી ઉપરથી આવ્યા છે અને કથા કરનાર વક્તા પણ વિદેશની ધરતી ઉપરથી પધાર્યા છે. દેવાધિદેવ મહાદેવે માતૃભૂમિ-વતનનું ઋણ અદા કરવાનો સોનેરી મોકો
આપ્યો છે.
પૂ. શાસ્ત્રીજી રમણિકભાઈ દવેએ પોતાની આગવી-મૃદુ છતાં પ્રભાવશાળી વાણીમાં પ્રાર્થના સ્વરૂપે
‘શ્રીરામ ચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવભય દારુણં!
નવકુંજ લોચન, કંજમુખ,  કરકંજ પદ કંજારણ!!’
રજૂ કર્યા બાદ તેને ભાવાર્થ સાથે સમજાવીને કથાના શ્રીગણેશ કર્યા હતા. શુભારંભે ભગવાન શિવનું સુંદર ભજન રજૂ કરતાં ભાવિકો મગ્ન બન્યા હતા. શિવાભિષેકના મંત્રો અને પ્રાર્થનાથી આ પવિત્ર સ્થળમાં એક અનેરી આભા પ્રસરી હતી. શુભારંભે પૂજ્યશ્રીએ શ્રીરામ કથા અંગે વિસ્તૃત માહિતી રજૂ કરી. સત્યમ્-શિવમ્-સુંદરમનો અર્થ સમજાવ્યો હતો. ભોળાનાથ શ્રીકુબેર ભંડારી મહાદેવને શ્રીરામ કથાનું રસપાન કરાવવાનો મહિમા હૃદયના ભાવપૂર્વક વર્ણવ્યો. તેમણે જણાવ્યું હતું કે જ્યાં જ્યાં શ્રીરામ કથા થાય છે ત્યાં સ્વયં પૂજ્ય શ્રીહનુમાનજી મહારાજ પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષરૂપે સુક્ષ્મ સ્વરૂપે હાજરી આપે છે. પૂજ્ય ગોસ્વામી તુલસીદાસજી મહારાજ જ્યારે પણ કથામૃતનું રસપાન કરાવતા ત્યારે વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં પૂજ્ય શ્રીહનુમાનજી સદેહે ઉપસ્થિત રહેતા હતા અને પૂજ્યશ્રીએ સ્વયં તેઓના ચરણસ્પર્શ કર્યા હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.
કથાપ્રારંભના દિવસે, શ્રી દક્ષિણામૂર્તિ આશ્રમમાં શ્રીરામ કથા નિમિત્તે આહૂતિ પ્રદાન યજ્ઞ ભાવિકો દ્વારા કરાયો હતો. સૌ ભાવિકો-ઉપાસકો-કથારસિકો માટે પ્રથમ દિવસથી તે છેક પૂર્ણાહૂતિ સુધી આ દેવભૂમિના સ્પંદનોની અસર જોવા મળી હતી. સૌ એકભાવથી ભાવવિભોર બની રહ્યા હતા.
શ્રીરામ કથા નવાહ્ન પારાયણનું ૨૫ જાન્યુઆરીએ સમાપન થયું હતું. શ્રી પોથીજીપૂજન અને શાસ્ત્રી રમણિકભાઈ દવે (કથાકાર)નું સન્માન કર્યા બાદ શ્રી સી. બી. પટેલે સમગ્ર આયોજનમાં સહભાગી બનેલા સૌનો આભાર માન્યો હતો. તેમજ સમગ્ર વ્યવસ્થા સંભાળનાર ભરતકુમાર વ્યાસ (જ્યોતિષી) તથા શોભનાબહેનનું સન્માન કર્યું હતું.
સમૂહ આરતી બાદ સી. બી. પટેલે શ્રીપોથીજી માથે મૂકીને કથાવિરામ માટે સૌને પ્રયાણ કરાવ્યું હતું. બાદમાં પરિવારજનોએ શ્રીપોથીજીને ભગવાન શ્રીકુબેરેશ્વર મહાદેવના સાંનિધ્યમાં પધરાવીને કથાને વિરામ આપ્યો હતો. પૂજ્ય શાસ્ત્રીજીએ કરનાળીના વિવિધ દેવમંદિરોના દર્શન અને મા નર્મદાજીની પૂજા કરી કથાને વિરામ આપ્યો હતો.

શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરમાં જપાત્મક લઘુરુદ્રાભિષેક

શ્રીરામ કથાના શુભ સ્થળ ઉપર રાજપીપળાના ૧૧ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા નિઃશુલ્ક (અવેતન લઘુરુદ્ર મંડળ) જપાત્મક લઘુરુદ્રાભિષેક યોજાયો હતો. યજમાનપદે શ્રી જનાર્દનભાઈ બાબુભાઈ પટેલ અને શ્રીમતી ઈન્દુબહેન જે. પટેલ બિરાજમાન હતા.
આ પ્રસંગે અર્પણાબહેન અને દીપકભાઈ વિદ્યાદત્ત શર્મા તેમજ ક્રિષ્નાબહેન અને શિવદત્તભાઈ શર્મા સહ યજમાનપદે બિરાજમાન હતા. આચાર્યપદે યોગેશભાઈ જોશીએ વેદોક્ત અને પુરાણોક્ત વિધિવિધાન સહ રુદ્રાભિષેક કરાવ્યો હતો. અન્ય ૧૦ વિદ્વાન આચાર્યો દ્વારા પૂજન-સહ-જપાત્મક પાઠ કરાયો હતો.

વિશેષ તપશક્તિ તર્પણ

રાજપીપળા નિવાસી શ્રીમતી અપર્ણાબહેન દીપકભાઈ શર્માએ શ્રીરામ કથા નિર્વિઘ્ને પૂર્ણ થાય અને સૌને તેનો લાભ મળે તે માટે ‘શ્રીરામ’ નામજપનું વિશેષ અનુષ્ઠાન નવ દિવસ દરમિયાન પોતાના નિવાસસ્થાને કર્યું હતું. તેમજ જપાત્મક લઘુ રુદ્ર પ્રસંગે મુખ્ય યજમાનપદે બિરાજીને સી. બી. પટેલના પરિવાર સાથે સહયોગરૂપ બન્યા હતા. આ પ્રસંગે શ્રી વિદ્યાદત્ત શર્મા, શ્રી શિવદત્ત શર્મા અને તેમનો પરિવાર સહભાગી બન્યો હતો.

•••

માતૃ-પિતૃ તર્પણ

માતૃદેવો ભવઃ – પિતૃ દેવો ભવઃ
૧. કૈલાસવાસી પૂજ્ય શ્રી બાબુભાઈ મણિભાઈ પટેલ (પૂ. નારાયણ સ્વામી) ૨. કૈલાસવાસી પૂજ્ય કમળાબહેન બાબુભાઈ પટેલ ૩. કૈલાસવાસી આપાભાઈ એમ. અમીન ૪. કૈલાસવાસી સવિતાબહેન આપાભાઈ અમીન ૫. કૈલાસવાસી બેરિસ્ટર મનસુખભાઈ એન. પટેલ ૬. કૈલાસવાસી સવિતાબહેન મનસુખભાઈ પટેલ ૭. કૈલાસવાસી મહેન્દ્રભાઈ એમ. પટેલ ૮. કૈલાસવાસી ચારૂબહેન એમ. પટેલ ૯. કૈલાસવાસી વિષ્ણુભાઈ બાબુભાઈ પટેલ

•••

શ્રીરામાયણ મહાત્મ્ય

રામાયણના સાત કાંડ છે. એ પરમાત્માના મંદિરના સાત પગથિયાં છે. શ્રીરામચંદ્રજીના ઉત્તમ ચરિત્રને વાંચીને પ્રેમ, આનંદ અને આનંદ ભાવની દરેક ભાવના થવી જોઈએ. આપણા ઋષિઓએ પોતાના વાણી-વર્તન અને વ્યવહારથી પોતાના જીવનને ઉત્કૃષ્ઠ બનાવવાનો રાહ ચિંધ્યો છે. નાના-સંકુચિત મનવાળા જ ‘આ મારું’ અને ‘આ પરાયું’ એવું સમજે છે. જ્યારે ઉદાર ચરિત્રવાળા તો આખા જગતને પણ કુટુંબરૂપે જ માને છે. રામાયણમાંથી ‘ગૃહસ્થાશ્રમ’ કેવું ઉત્તમ હોવું જોઈએ તે પણ જાણવા મળે છે. માતા અને પિતા, ભાઈ અને ભાભી, ગુરુ અને શિષ્ય વગેરેની જે મર્યાદાઓ અને વ્યવહાર છે તે રામાયણમાંથી શીખવા મળે છે. આમ રામાયણ ઉત્તમોત્તમ કુટુંબ કેવું હોવું જોઈએ તેની ઝાંખી રજૂ કરે છે. રામાયણ વાંચવું કે સાંભળવું જેનાથી પોતાના પરિવાર અને સમાજનું કલ્યાણ થાય છે.

•••

કથાકાર શાસ્ત્રીજી રમણિકભાઈ દવેનો પરિચય

કરનાળી સ્થિત શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરના સભામંડપમાં શ્રીરામ કથા નવાહ્ન પારાયણનું રસપાન કરાવનાર પૂજ્ય શાસ્ત્રી રમણિકભાઈ દવેનો પરિચય
• અભ્યાસઃ સાંદિપની વિદ્યાનિકેતન પોરબંદર (શુક્લ-યજુર્વેદ-મંત્ર સંહિતા-ભાષ્ય-સાહિત્ય પુરાણ વેદાંત-એમ.એ., સંસ્કૃત વ્યાકરણ) • નિવાસઃ લેસ્ટર (બ્રિટન) • પરિવારઃ પત્ની જાગૃતિબહેન અને બે સંતાનોઃ સુપુત્રી વાગીશા અને સુપુત્ર રાધેશ • અત્યાર સુધીમાં શ્રીમદ્ ભાગવત કથા, શ્રીરામ કથા, શ્રી જલારામ કથા, શ્રીસાંઈ કથા, શ્રી હનુમંત કથા, ગીતા પ્રવચન તથા વિવિધ ધાર્મિક વિધિવિધાન કરાવેલ છે. સેંકડો કાર્યક્રમો આપ્યા છે. સાતથી વધુ વખત ક્રૂઝમાં કથાઓ કરી છે. યુકે અને ભારત ઉપરાંત પોર્ટુગલ, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, મોઝામ્બિક, હોલેન્ડ, જર્મની, ટાન્ઝાનિયા, કેન્યા વિગેરે સ્થળોએ પણ તેઓશ્રીએ તેમની આગવી શૈલીમાં કથાઓ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter