કરમસદઃ ચરોતર પ્રદેશની સુપ્રસિદ્ધ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ઉપલબ્ધ અત્યાધુનિક તબીબી સુવિધામાં નવું છોગું ઉમેરાયું છે. હોસ્પિટલની સર્જિકલ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવા માટે 6 નવા અત્યાઆધુનિક ઓપરેશન થિયેટરના 12 મેના રોજ ઉદ્ઘાટન કરાયા છે.
આ અત્યાઆધુનિક ઓપરેશન થિયેટર અગ્રણી સંસ્થાઓ અને વ્યક્તિગત ઉદાર દાતાઓના યોગદાનને કારણે શક્ય બન્યા છે. જેમાં એલિકોન ગ્રૂપ ઓફ કંપનીઝ અને નવીન ફ્લોરાઈન ઇન્ટરનેશનલ લિમિટેડ-મુંબઈ, ડાઉન-ટાઉન મોટર્સ પ્રા.લિ., જીએમએમ ફોડલર ફાઉન્ડેશન અને શ્રીમતી પદ્માવતીબેન હંસલાલ પટેલના મૂલ્યવાન સહયોગનો સમાવેશ થાય છે.
રૂ. 4.5 કરોડના ખર્ચે ઉભી કરેલ આ હાઇટેક મેડિકલ ફેસિલિટીમાં નવા મેડિકલ સ્ટાન્ડર્ડનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં દર્દીઓની સગવડતા અને સ્ટાફની કાર્યક્ષમતા વધારવાના પરિબળોને વિશેષ પ્રાધાન્ય અપાયું છે. નવી તબીબી સુવિધામાં કન્સલ્ટીંગ રૂમ, પ્રિ-ઓપરેટીવ રૂમ, રિકવરી રૂમ, ઓપરેશન થિયેટરની જરૂરીયાત માટે ઓનસાઈટ ફાર્મસી અને આધુનિક હિટીંગ, વેન્ટિલેશન અને એરકન્ડીશન સિસ્ટમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્ટાફની સુવિધા માટે લાઉન્જ અને રેસ્ટ રૂમનો સમાવેશ કરવામાં આવેલ છે.
આધુનિક ઓપરેશન થિયેટરનું મહત્વનું પાસું વીડિયો કોન્ફરન્સીંગ સિસ્ટમ છે. જેમાં ઓપરેશનનું લાઈવ પ્રસારણ કરવાની સુવિધા છે. ભાઇકાકા યુનિવર્સિટીના મેડિકલના વિદ્યાર્થીઓ અને ડોક્ટર્સને સર્જિકલ પ્રોસીજર દરમિયાન લાઇવ પ્રસારણ થકી પ્રેક્ટિકલ શિક્ષણ પ્રદાન કરાશે.
આ ઉદ્ઘાટન પ્રસંગે નવીન ફલોરાઈન ઇન્ટરનેશનલ લિમિટેડ-મુંબઈના નિરજભાઈ માંકડ અને સુરેશભાઈ નાયર, ડાઉન-ટાઉન મોટર્સ પ્રા.લિ.ના રાધાશરણભાઈ પટેલ અને બિમલભાઈ પટેલ તથા પદ્માવતીબેન અને તેમના કુટુંબીજનો હાજર રહ્યા હતા. આ ઉપરાંત સવિતાબેન અને હિરૂભાઈ પટેલ મેમોરિયલ ફાઉન્ડેશનના સભ્યો, ચારૂતર આરોગ્ય મંડળના ચેરમેન અતુલભાઇ પટેલ, સેક્રેટરી અમિતભાઇ પટેલ અને ભાઈકાકા યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.