ગાયકવાડ રાજવીઓ સંપત્તિ માટે કોર્ટમાં

Wednesday 12th July 2017 10:05 EDT
 
 

વડોદરા: વડોદરાના સુધારાવાદી મહારાજા સયાજીરાવ ગાયકવાડની અબજો રૂપિયાની મિલકતો માટે સ્વર્ગવાસી મહારાજાના વારસદારો પૈકીના સંગ્રામસિંહ દ્વારા તેમના જ મોટાભાઈ રણજીતસિંહ ગાયકવાડ સામે અગાઉ કોર્ટમાં કેસ કરાયો હતો.
ગાયકવાડ સ્ટેટની મિલકતો ઉપરાંત તે પછી ઉપાર્જિત તમામ મિલકતો (દા.ત. સુરતની, બરોડાની) મામલે રણજીતસિંહના અવસાન બાદ અગાઉ સમાધાન કરાયું હતું, પરંતુ આ સમાધાનના પગલે મિલકતોની જે વહેંચણી થઈ તે ખોટી રીતે થઈ હોવાનો આક્ષેપ ગોવિંદરાવ હનુમંતરાવ ગાયકવાડના વારસદારો સત્યજીતસિંહ, સત્યશીલા, સંગીતાબહેન, દિલજીતસિંહ અને પ્રતાપસિંહે કર્યો છે. તેમણે રાજવી પરિવારના સંગ્રામસિંહ ગાયકવાડ અને સમરજીતસિંહ ગાયકવાડ સહિત પરિવારના અન્ય સભ્યો વિરુદ્ધ કોર્ટમાં રૂ. એક લાખ કરોડનો દાવો માંડ્યો છે.
દાવા મુજબ, રાજવી પરિવારની અબજો રૂપિયાની મિલકતો આજથી લગભગ ૧૫૦ વર્ષ પૂર્વે દામાજીરાવ ખીલાજીરાવ ગાયકવાડ તથા તેમના વારસદારોએ વસાવી છે. આ મિલકતો પ્રતાપરાવ સયાજીરાવ ગાયકવાડ કે સયાજીરાવ ખંડેરાવ દ્વારા વસાવાઈ નથી. ખંડેરાવના લગભગ ૧૦ વર્ષના પુત્ર સયાજીરાવ ગાયકવાડને બ્રિટિશ શાસનના સમયે દત્તક પુત્ર તરીકે રાજગાદી પર ખોટી રીતે બેસાડવામાં આવ્યા હતા. ખંડેરાવના પુત્ર સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) દ્વારા પણ કોઈ મિલકતો ખરીદવામાં આવી ન હતી. સયાજીરાવના પુત્ર ફતેસિંહ (ત્રીજા), ફતેસિંહના પુત્ર પ્રતાપસિંહ ગાયકવાડ અને પ્રતાપસિંહના ત્રણ પુત્રો ફતેસિંહ ગાયકવાડ (ચોથા) રણજીતસિંહ ગાયકવાડ અને સંગ્રામસિંહ ગાયકવાડ દ્વારા પણ કોઈ મિલકતો ખરીદાઈ નથી, પરંતુ જે મિલકતો દાયકાઓ અગાઉ વડીલો દ્વારા ખરીદવામાં આવેલી તેનો જ વહીવટ થતો રહ્યો હતો. તેથી આ વડીલોપાર્જિત મિલકતોનો પ૦ ટકા હિસ્સો દાવો કરનારાને મળે તેમજ કોર્ટ દ્વારા આ મિલકતોની વહેંચણી કરવા માટે પ્રાથમિક હુકમનામું જાહેર કરીને વહેંચણી માટે રિસીવરની નિમણૂક કરવામાં આવે તેવી નોંધ કરાવાઈ છે. આ ઉપરાંત ચીમનબાગ પેલેસનું બાંધકામ પહેલાં જે પ્રમાણે હતું તે જ પ્રમાણેનું કરીને તેનો કબજો તેમને મળે તેવી માગણી પણ આ દાવામાં સામેલ છે. આ દાવામાં કામચલાઉ મનાઈહુકમની માગણી કરવામાં આવી હતી જેની વધુ સુનાવણી આગામી ૨૫ તારીખે રાખવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter