ચલાલીનાં ૧૨૩ વર્ષના ઝવરબાનું અવસાનઃ વાજતેગાજતે અંતિમ સંસ્કાર કરાયા

Wednesday 06th September 2017 09:45 EDT
 

કાલોલ: કાલોલ તાલુકાના ચલાલી ગામમાં ૧૨૩ વર્ષીય વૃદ્ધા ઝવરબાનું અવસાન થતાં રવિવારે ગ્રામજનોએ બેન્ડવાજાના સન્માન સાથે તેમનાં અગ્નિ સંસ્કાર કર્યાં હતાં. ચલાલીનાં ૧૨૩ વર્ષીય વયોવૃદ્ધાં તેમના નવ સંતાનો અને ચાર પેઢીના સૌથી વધુ પરિવારજનોને જોઈને મૃત્યુ પામ્યાં છે.
લગભગ પંદરસોની વસ્તી ધરાવતા આ ગામના ગ્રામજનોના જણાવ્યા મુજબ ૧૯મી સદીમાં ઝવરબહેન સોમાભાઇ ચૌહાણનો જન્મ થયો હશે. ઝવરબાના પરિવારજનોના જણાવ્યા મુજબ તેમનો જન્મ ઇ.સ. ૧૮૯૪માં ઘોઘંબાના જાબુકુવા ગામમાં થયો હતો અને લગભગ ૧૯૧૪-૧૫ના વર્ષે તેમના ચલાલી ગામે લગ્ન થયાં હતાં. આઝાદી પૂર્વેની દેશની ગુલામીના આ સમયગાળામાં ગોમા નદીમાંથી પાણી ઉલેચીને ઝવરબા ખેતીકામ કરતા હતાં. ઝવરબાએ સંતાનોમાં પાંચ દીકરા અને ચાર દીકરી જન્મ આપ્યો હતો. જેમાં તેમના સૌથી મોટા દીકરા આજે નેવું વર્ષની ઉંમરે હયાત હોવાથી દીર્ઘાયુ ધરાવતાં ઝવરબા ૧૨૩ વર્ષીય હોવાનો દાખલો બંધ બસતો હતો. ચાર પેઢી અને સૌથી વધુ પરિવારજનોની પેઢીનો પરિવાર ધરાવતા ઝવરબાએ આટલી જૈફ વયે પણ ક્યારેય દવાખાનું જોયું નહોતું. ૧૨૩ વર્ષની વયે પણ તેમને કોઇ બીમારી નહોતી. માત્ર પાછલા ત્રણ-ચાર દિવસથી તેમણે માત્ર ખાવાનું છોડી દેતાં અને રવિવારે સવારે ત્રણ વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter