આણંદ: યુએસએમાં આવેલા ફ્લોરિડામાં રહેતા નિવૃત્ત પાટીદાર નટુભાઈ પટેલ અને તેમનાં પત્ની મધુબહેન પટેલ દ્વારા ચાંગા સ્થિત ચારુસેટ હોસ્પિટલના જનરલ વોર્ડને સુવિધાજનક બનાવવા માટે રૂ. એક કરોડનું દાન તાજેતરમાં અપાયું છે. નિવૃત્ત સિવિલ એન્જિનિયર નટુભાઈએ તેમનાં માતા-પિતા સ્વ. નાથભાઈ પટેલ (માસ્તર) અને કાશીબહેન પટેલના સ્મરણાર્થે હોસ્પિટલમાં આ દાન અર્પણ કર્યું હતું. ચરોતરના કરોલી ગામના નટુભાઈ પટેલે વર્ષ ૧૯૯૮માં વિદ્યાનગરની બીવીએમ કોલેજમાંથી સિવિલ એન્જિનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. એ પછી તેઓ યુએસએ સ્થાયી થયા હતા. આઠ દાયકા વટાવી ચૂકેલા નટુભાઈ કહે છે કે, અગાઉ ચારુસેટ હેલ્થકેરના પ્રમુખ નગીનદાસ પટેલના બનેવી રાવજીદાસ સાથે ચાંગાની મુલાકાત વખતે મેં હોસ્પિટલમાં શક્ય રકમના દાનનો સંકલ્પ કર્યો હતો. જે સંકલ્પ પૂર્ણ થતાં હું અને મારાં પત્ની ખૂબ જ સંતોષ અનુભવી રહ્યાં છીએ.