અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૪મી સપ્ટેમ્બરે બુલેટ ટ્રેનના ખાતમુહૂર્ત સમયે આ પ્રોજેક્ટ અંતર્ગત જરૂરી માનવશક્તિને તાલીમબદ્ધ કરવા માટે વડોદરામાં સર્જાનારા અત્યાધુનિક તાલીમ કેન્દ્રનું પણ રિમોટ કંટ્રોલથી ખાતમુહૂર્ત કર્યું હતું. એમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જેટલો મહત્ત્વનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે તેટલું જ મહત્ત્વનું આ તાલીમ કેન્દ્ર છે. કારણ કે જે કુશળ માનવબળ આ પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવામાં આવનારું છે. તે તાલીમબદ્ધ રીતે તૈયાર કરવામાં આ કેન્દ્ર મહત્ત્વની ભૂમિકા ભજવનારું છે. જેટલા ઓછા સમયમાં આ તાલીમ કેન્દ્ર તૈયાર થશે એટલો વધુ ફાયદો બુલેટટ્રેન પ્રોજેક્ટને થશે.
જીએસટીથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ફાયદો
મોદીએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું કે, જીએસટીને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ૩૦ ટકાનો જબરજસ્ત ફાયદો થઈ રહ્યો છે. એમણે કહ્યું કે, પહેલા એક ટ્રક ચેકપોસ્ટની હાડમારીને કારણે દિવસમાં ૨૦૦ કિલોમીટરનું અંતર કાપી શકતી હતી. આજે ચેકપોસ્ટ ઉપર ઊભા રહેવાો સમય બચતાં એ ટ્રક દિવસમાં ૨૫૦ કિલોમીટરનું અંતર કાપી શકે છે. આમ જીએસટી આવવાથી ટ્રાન્સપોર્ટ ક્ષેત્રને ૩૦ ટકાનો ફાયદો અંતર કાપવાની બાબતમાં થઈ રહ્યો છે. જેના કારણે આવતા દિવસોમાં ચીજવસ્તુઓના ભાવ ઘટવાની સંભવાના પેદા થઈ છે.
આઝાદીની ૭૫મી વર્ષગાંઠે પ્રોજેક્ટ પૂરો
મોદીએ જણાવ્યું હતું કે, દેશની આઝાદીના ૭૦ વર્ષ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ થઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૨માં આઝાદીની ૭૫મી વર્ષગાંઠ ઉજવીશું ત્યારે આ પ્રોજેક્ટનું કાર્ય પણ પૂરું થાય તે જરૂરી છે. અમે એક વાર નક્કી કરી દીધું છે એટલે તે પૂરું કરીને જ રહીશું.