જ્યોતિષીઓની જાળમાં ફસાયેલા સોની પરિવારે રૂ. ૩૨ લાખ ગુમાવ્યાઃ નાણાભીડથી કંટાળીને પરિવારે ઝેર પીધું, પાંચનાં મોત

Wednesday 10th March 2021 04:26 EST
 
 

વડોદરા: સંસ્કારનગરીની ઓળખ ધરાવતા વડોદરામાં અંધશ્રદ્ધામાં ઓતપ્રોત લોકોની આંખ ઉઘાડી નાંખે તેવો કરુણ કિસ્સો નોંધાયો છે. શહેરના ન્યૂ સમારોડ પર આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતો સોની પરિવાર જ્યોતિષીઓ અને જાદુટોનાના રવાડે ચડીને અંધશ્રદ્ધાના દુષ્ચક્રમાં એવો ફસાયો કે ૩૨ લાખ રૂપિયા ગુમાવી દીધા. આર્થિક ભીંસમાં મૂકાયેલા પરિવારને આખરે આ સંકટમાંથી બહાર નીકળવાનો કોઇ જ માર્ગ ન મળતાં પરિવારના મોભી સહિત તમામ ૬ સભ્યોએ ઝેર પી લીધું હતું. જેમાં પિતા-માતા, પુત્ર અને તેના બે સંતાનોના મૃત્યુ નીપજ્યા છે જ્યારે બચી ગયેલી પૂત્રવધુ હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઇ રહી છે.
ન્યૂ સમારોડ પર આવેલી સ્વાતિ સોસાયટીમાં ગયા બુધવારે સાંજે બનેલી આ ઘટનાથી સમગ્ર મધ્ય ગુજરાતમાં હલચલ મચી ગઇ છે. સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પાસે આવેલી સ્વાતિ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા નરેન્દ્રભાઇ સોની (૫૮), પત્ની દિપ્તીબેન (૫૫), પુત્ર ભાવિન (૩૦), પુત્રવધૂ ઉર્વશી (૨૮), પુત્રી રિયા (૧૮) અને પૌત્ર પાર્થ (૪) ગયા બુધવારે સાંજે પોતાના ઘરમાં ઝેરી દવા પીધેલી હાલતમાં મળ્યા હતાં. ભાવિને ઝેર પીધા બાદ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી કે અમે ઝેર પી લીધું છે. આ સાથે જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
ઝેર પીનાર છ પૈકી નરેન્દ્રભાઇ સોની, પૌત્રી રિયા અને માસુમ પૌત્ર પાર્થના મૃત્યુ નીપજ્યું હોવાનું જણાયું હતું, જ્યારે દિપ્તીબેન, પુત્ર ભાવિન અને પુત્રવધુ ઉર્વશીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતાં. જ્યાં પહેલાં દિપ્તીબેન અને પછી પુત્ર ભાવિનના પણ મૃત્યુ નીપજ્યા હતા. ઘરમાંથી કોલ્ડ્રિંક્સની બે બોટલ અને ઝેરની બોટલ મળી હતી.
પોલીસે જણાવ્યું હતું કે નરેન્દ્રભાઇ સોની અગાઉ ઇમીટેશન જવેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને બાદમાં તેમણે મંગળબજારમાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓની દુકાન ખોલી હતી. જોકે ત્રણ વર્ષ પહેલા આ દુકાન પણ બંધ કરી દીધી હતી અને પોતે ઘેર જ હતાં. તેમનો પુત્ર ભાવિન કોમ્પ્યુટર રિપેરિંગના વ્યવસાય સાથે જોડાયેલો હતો. છેલ્લા ૨૫ વર્ષથી એક જ સોસાયટીમાં રહેતા સોની પરિવારના સભ્યોને કોઇ સાથે અણબનાવ પણ ન હતો અને સોસાયટીમાં શાંતિથી રહેતા હતા જેથી સામૂહિક આત્મહત્યા કેમ કરી તે પણ સોસાયટીમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
જ્યોતિષીઓની માયાજાળઃ
 હાડકાં, સોનું કાઢીને ભરમાવ્યા
પોલીસને પ્રાથમિક તપાસમાં પરિવાર આર્થિક ભીંસમાં હોવાનું જાણવા મળતાં તેના મૂળ સુધી પહોંચવા પ્રયાસ હાથ ધરાયા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે જાદુટોના અને વિધિઓમાં ફસાયેલા નરેન્દ્રભાઇ સોની અને પરિવારે જીવવું દુષ્કર બની ગયું હોવાથી સામૂહિક આપઘાત કરવાનું નક્કી કર્યું હતું. પુત્ર ભાવિન સોનીના નિવેદને જ્યોતિષીઓના જાદુટોના અને મેલી વિદ્યાની રમતો પરથી પરદો ઊંચક્યો હતો. નરેન્દ્રભાઇનું
મકાન વેચાતું નહીં હોવાથી તેઓ જ્યોતિષીઓના રવાડે ચડયા હતા.
જ્યોતિષીઓએ સોની પરિવારને બરાબર લપેટામાં લીધો હતો. એક પછી એક નવ જેટલા જ્યોતિષીઓ અને તાંત્રિકોએ જુદીજુદી વિધિઓના નામે આ પરિવાર પાસેથી રૂ. ૩૨ લાખ જેટલી તોતિંગ રકમ પડાવી લીધી હતી. આથી પોલીસે જ્યોતિષીઓ સામે ગુનો નોંધીને તેમની શોધખોળ હાથ ધરી છે. જ્યોતિષીઓએ જુદી જુદી વિધિ કરી મકાનમાં ખાડા ખોદ્યા હોવાની, હાડકાં તેમજ સોનું કાઢીને સોની પરિવારને ભરમાવ્યો હોવાની વિગતો બહાર આવી છે.
ઘરને તાળું મારીને ચાવી બહાર ફેંકી દીધી
કોલ્ડ્રિંક્સમાં ઝેર ભેળવીને પીતા પહેલા ઘરના કોઇ પણ સભ્યની હિંમત તૂટી ના જાય તે માટે ઘરની મુખ્ય જાળીને તાળું મારીને ચાવી ઘરની બહાર ફેંકી દેવામાં આવી હતી. ઘરની અંદર કેદ નરેન્દ્રભાઇએ સૌપ્રથમ કોલ્ડ્રિંક્સ ભેળવેલું ઝેર પીધું હતું અને બાદમાં અન્ય સભ્યોએ ઝેર મિશ્રિત કોલ્ડ્રિંક્સ પીધું હોવાનું પોલીસ માને છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે જાળીની ચાવી બહારથી જ મળી હતી. ઘટનાસ્થળેથી કોલ્ડ્રિંક્સની બે મોટી બોટલ અને ઝેરની એક નાની બોટલ મળ્યા હતા. સાથે કાચના ગ્લાસ અને ડ્રોપર પણ મળ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter