ડો. અમૃતા પટેલમાં શીખતા રહેવાની ધગશ છે: ડો. નારાયણ મૂર્તિ

Wednesday 12th December 2018 06:15 EST
 
 

આણંદ: ચારુતર આરોગ્ય મંડળના અધ્યક્ષ રહી ચૂકેલા અને પદ્મભૂષણથી સન્માનિત ડો. અમૃતા પટેલની દસમીએ ૭૫મી વર્ષગાંઠ હતી. કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં તેમના જન્મદિનની ઊજવણીના ભાગરૂપે ખાસ અતિથિ વિશેષ તરીકે હાજર રહેલા ઈન્ફોસિસ લિમિટેડના સ્થાપક નારાયણ મૂર્તિએ જણાવ્યું હતું કે, ભારતના દિવંગત રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામજી અને અમૃતાજી બંને વચ્ચે એક સામ્ય એ કે, તેઓ બંને હમેશાં નવું શીખતા રહેવાની ધગશ ધરવતા વ્યક્તિત્વો છે. બંનેને કોઈ બાબતનો ખ્યાલ ન આવે તો પ્રશ્ન પૂછવાની તત્પરતા તેમનામાં જોવા મળે.
નારાયણ મૂર્તિએ ડો. અમૃતા પટેલ સાથેના સંસ્મરણોને વાગોળતાં જણાવ્યું હતું કે, તેમના ૭૫ વર્ષ અનેક ઉપલબ્ધિઓથી ભરેલા રહ્યા હતા. અમૂલ અને એનડીડીબીના તેમના કાર્યકાળથી લઈ છેક અત્યાર સુધી વિવિધ સ્તરોએ આપેલા અમૂલ્ય યોગદાન, ગ્રામીણ ભારતના ગરીબોના ઉત્થાન માટેની તેમની પ્રતિબદ્ધતા તથા નિષ્ઠા અને સેવા બિરદાવવાલાયક છે. તેઓ ૧૨૫ વર્ષ સુધી જીવન જીવી અવિરત સેવાઓ આપતા રહે તેવું ઈચ્છીએ છીએ.
મૂર્તિ ઉમદા અને દાનવીર વ્યક્તિત્વઃ અમૃતા પટેલ
મારા મિત્ર ડો. નારાયણ મૂર્તિ આજે અહીં આવ્યા છે તેનો મને અનહદ આનંદ છે. તેઓ ઉમદા અને દાનવીર વ્યક્તિત્વ છે. જોકે, હું આશા રાખું કે ફરી વખત સુધાજી પણ સાથે આવે એમ વાત કરતા ડો. અમૃતા પટેલે જણાવ્યું હતું કે, હું નાનપણથી જ ગ્રામીણ લોકો અને તેમની હાડમરીભરી જીવનશૈલીથી પરિચિત હતી. હોસ્પિટલ ક્ષેત્રે ગરીબ અને પછાત લોકોની સેવા માટે જ્યારે હું ઈન્ફોસીસના સ્થાપક નારાયણ મૂર્તિને મળી ત્યારે દર્દીઓની સારવાર માટે તેમણે તુરંત જ રૂ. પાંચ કરોડનો ચેક આપ્યો હતો. મેં જે પણ સંસ્થાઓમાં કામ કર્યું છે ત્યાં મને એવા સહયોગીઓ મળ્યાં છે કે જેઓ મારી સાથે કામમાં સમાન રીતે ઓતપ્રોત થઈ જતા હતા. તેમના યોગદાન વિના હું મારી યાત્રા સફળ ન બનાવી શકી હોત.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter