ડો. કલામ ૯ ઓગસ્ટે વડોદરા આવવાના હતા

Wednesday 29th July 2015 09:40 EDT
 

પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ ૯ ઓગસ્ટે વડોદરામાં યોજાનારી વર્લ્ડ રિલિજિયન્સ પાર્લામેન્ટના ઉદ્દઘાટન માટે આવવાના હતાં. તેઓ અગાઉ ઘણી વખત વડોદરા આવી ચુક્યા છે, તાજેતરમાં જ સુરત જતા પહેલા તેઓ થોડો સમય વડોદરા એરપોર્ટ પર રોકાયા હતા અને આ દરમિયાન રામકૃષ્ણ મિશન-વડોદરા ખાતેના સેક્રેટરી સ્વામી નિખિલેશ્વરાનંદજી અને રિર્સચર ડો.જયેશ શાહ સાથે મુલાકાત કરી હતી.

વડોદરામાં રૂ. ૧૧.૬૦ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણઃ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે ગત સપ્તાહે વડોદરા જિલ્લામાં કુલ રૂ. ૧૧.૬૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. જિલ્લાના કરજણ ખાતે રાજ્ય સરકારની કિસાન કલ્પવૃક્ષ યોજના અંતર્ગત રૂ. આઠ કરોડના ખર્ચે નિર્માણ પામેલા સરદાર પટેલ માર્કેટ ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત રૂ. બે કરોડના ખર્ચે સાકાર થયેલું ભરતમુનિ નાટ્યગૃહ અને રૂ. ૧.૬૦ કરોડના ખર્ચે તૈયાર થયેલું તાલુકા પંચાયત ભવન પણ ઉદ્ધાટન કર્યું હતું. આ નિમિત્તે આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, મૂડી નિવેશ માટેની શ્રેષ્ઠ મંઝિલ તરીકે ઊભરી રહેલા ગુજરાતમાં મોટાપાયે વિદેશી ઉદ્યોગકારો રોકાણ માટે આવી રહ્યા છે ત્યારે આ ક્ષેત્રમાં ઊભી થનાર કુશળ કર્મચારીઓની માંગને પહોંચી વળવા ગુજરાતમાં યુવક, યુવતીઓએ શિક્ષણ સાથે ટેકનિકલ કૌશલ્ય મેળવવું ખૂબ જરૂરી બની ગયું છે.

અંધશ્રદ્ધા અને વહેમ દૂર કરવાનું અભિયાનઃ ચરોતર એજ્યુકેશન સોસાયટી દ્વારા શતકોત્સવનાં સ્વર્ણિમ વર્ષમાં લોકજાગૃતિથી સામાજિક પ્રકાશ ફેલાવવાનું ભગીરથ કાર્ય થઇ રહ્યું છે. આણંદના સાંઈબાબા મંદિરના પટાંગણમાં તાજેતરમાં અંધશ્રદ્ધા-વહેમ સામે જાગૃતિ ફેલાવવા વધુ એક કાર્યક્રમ યોજાઇ ગયો. લોટેશ્વર ભાગોળ, ગામડી, બાકરોલની આ કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ડો. અનિલભાઈ પટેલે નાળિયેર, ચુંદડી, રાખ વગેરેનો ચોક્કસ યુક્તિપૂર્વક ઉપયોગ કરીને કેવી રીતે લોકોને કેવી રીતે છેતરવામાં આવે છે તેનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું હતું.

ગોધરાકાંડના બે ભાગેડું આરોપી ઝડપાયાઃ ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ ગોધરા રેલ્વે પ્લેટફોર્મ પર સાબરમતી એક્સપ્રેસના એસ ૬ ડબ્બા પર પથ્થરમારો કરી કાચ તોડ્યા બાદ આગ લગાડવાના ગુનામાં પોલીસે બે આરોપીઓની જુદા જુદા સ્થળેથી ધરપકડ કરી છે. એન્ટી ટેરરીસ્ટ સ્ક્વોડ (એટીએસ) ગોધરાનિવાસી કાસમ ઈબ્રાહિમ ભમેડીને દાહોદ રેલ્વે સ્ટેશનેથી ઝડપી લીધો છે. જ્યારે અન્ય એક આરોપીની મધ્યપ્રદેશના જાબુઆ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી હુસેન સુલેમાનને ગોધરા લાવીને પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગોધરાકાંડમાં હજી ૧૨ ગુનેગારો ફરાર છે. ગોધરા રેલવે સ્ટેશને ઘટેલી આ ઘટનામાં ૫૯ યાત્રીઓના મોત થયા હતા. 

અમૂલ ડેરીનું ટર્નઓવર રૂ.૪૧૪૨ કરોડ પર પહોંચ્યું અમૂલ ડેરીની ગત સપ્તાહે યોજાયેલી ૬૯મી વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન રામસિંહ પરમારે અમૂલ ડેરીના આધ્યસ્થાપકો સરદાર પટેલ, ત્રિભૂવનદાસ પટેલ અને ડો. કુરિયનને યાદ કરીને તેમને ચિંધેલા સહકારના રાહ પર ચાલવાનો અનુરોધ કર્યો હતો. તેમ જ વર્ષ ૨૦૧૪-૧૫ દરમિયાન ડેરીએ કરેલ પ્રગતિનો અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં ટર્નઓવર ૨૦ ટકા વધીને રૂ. ૪૧૪૨ કરોડ પર પહોંચ્યું હોવાનું જણાવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter