દાહોદના ઉદ્યોગપતિ પર પાંચ રાઉન્ડ ફાયરિંગ બાદ હુમલાખોરનો આપઘાત

Wednesday 19th September 2018 06:18 EDT
 

દાહોદઃ દેલસર ગામે અરિહંત ઇન્ડસ્ટ્રીઝ પલ્સ મિલના માલિક તેમજ દાહોદના ઉદ્યોગપતિ પ્રસન્નચંદ જૈન પર ૧૫મી સપ્ટેમ્બરે ભૂપેન્દ્ર દલાલે ફાયરિંગ કર્યા પછી ભાગી છૂટેલાા ભૂપેન્દ્રએ બીજા દિવસે રવિવારે પોતાને ગોળીથી વીંધીને આપઘાત કર્યો હતો. ચાર ગોળી વાગતાં ગંભીર ઇજાગ્રસ્ત ઉદ્યોગપતિને વડોદરા સારવાર માટે ખસેડાયા હતા. ગોદીરોડ પર રહેતા અને દેલસરમાં આવેલી અરિહંત દાલ મિલના માલિક ઉદ્યોગપતિ પ્રસન્નચંદ ઇન્દરચંદ જૈન (ઉ. વ. ૬૪) સવારના નવ વાગ્યાની આસપાસ રાબેતા મુજબ અરિહંત દાલ મિલમાં હતા. તે સમયે ભૂપેન્દ્ર બાઇક ઉપર ઘસી આવ્યો હતો. તેણે બાઇક મિલના કંમ્પાઉન્ડમાં પાર્ક કરીને પાછળથી ધસી જઈને મિલના કમ્પાઉન્ડમાં ઊભેલા પ્રસન્નચંદ પર એક પછી એક પાંચ ગોળી છોડી હતી. મિલના કામદારો ફાયરિંગનો અવાજ સાંભળીને તે તરફ દોડી ગયા જોકે કોઈ ભૂપેન્દ્રને પકડી શકે તે પહેલાં તે બાઇક લઇને નાસી જવામાં સફળ રહ્યો હતો. પ્રસન્નચંદને એક પગમાં, ઘૂંટણમાં, જાંઘ પર અને એક ગોળી છાતીના નીચેના ભાગે વાગતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
હુમલાખોરનો આપઘાત
રવિવારે દાહોદ નજીકના ઘોડાડુંગરી ગામે એક ખાલી પ્લોટમાં ભૂપેન્દ્રએ પોતાની છાતી પણ વીંધી નાંખીને આપઘાત કરી લીધો હતો. ગોળીના અવાજથી લોકોનાં ટોળે ટોળાં પ્લોટ પાસે ઉમટી પડ્યા હતા. ભૂપેન્દ્ર દલાલના મૃતદેહ પાસે લોડ કરેલી ગન પણ મળી આવી હતી સાથે ગજવામાંથી એક લોડેડ મેગ્ઝિન પણ કબજે કરાઈ હતી. ભૂપેન્દ્ર દલાલે આપઘાત કર્યો હોવાનું પોલીસની તપાસમાં જણાતાં અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter