દાહોદમાં હોળી નજીકના દસ દિવસમાં આશરે ૫૭ મેળા

ખુશાલી દવે Wednesday 07th March 2018 06:04 EST
 
 

દાહોદના શેઠશ્રી ગિરધરલાલ સંસ્કાર કેન્દ્રના ત્રિદિવસીય રજતજયંતી કાર્યક્રમમાં ૨૫મી ફેબ્રુઆરીએ જાણીતા લેખક અને વક્તા કૃષ્ણકાંત ઉનડકટનું ‘જિંદગી તને સલામઃ હું કરું ચિંતા ને તું કરાવે ચિંતન’ વિષય પર વક્તવ્ય હોવાથી કૃષ્ણકાંતભાઈ અને જ્યોતિબહેન ઉનડકટની સાથે મારા પતિ તુષાર દવેને અને મને દાહોદની મુલાકાત લેવાનો મોકો મળ્યો.
આ કાર્યક્રમમાં દાહોદમાં વસતો પ્રિય મિત્ર સંસ્કૃતવિદ ગોપાલ ઉપાધ્યાય પણ હતો. તેણે કૃષ્ણકાંતભાઈનું વક્તવ્ય પૂરું થયા પછી વાત વાતમાં કહ્યું કે, દાહોદમાં આજે ઢોલમેળો છે તો તેમાં પણ ચોક્કસ જવું જોઈએ. અહીંના આદિવાસી સમાજના મેળાઓ વિશે સાંભળ્યું હતું, પણ તે માણવા મળતો હોય તો કોણ એ તક છોડે? તેથી અમે પણ મેળામાં પહોંચ્યા.
‘ભીલ સમાજ સુધારણા મંડળ’ દ્વારા દાહોદના સિટી ગ્રાઉન્ડમાં આ ઢોલમેળો યોજાયો હતો. આજુબાજુના ૮૦ ગામની કુલ ૧૩૬ મંડળીઓ જુદા જુદા પ્રકારના ઢોલ, તાંસા, નગારા સાથે અહીં પારંપરિક સંગીતની રમઝટ બોલાવતી હતી.
ઢોલમેળાના આયોજક નગરસિંહ કસનાભાઈ પલાશે અમને કહ્યું કે, વર્ષોથી હોળી પહેલાં આ ઢોલમેળાનું આયોજન કરવામાં આવે છે. તેમાં આજુબાજુના ગામના ભીલભાઈઓ – મંડળીઓ વચ્ચે ઢોલ વગાડવાની સ્પર્ધા યોજાય છે. વિજેતા ઢોલી કે મંડળીને તો ઈનામ અપાય જ છે, પરંતુ દરેક સ્પર્ધકને આશ્વાસન ઈનામ પણ અપાય છે.
પાવી જેતપુરથી આવેલી એક મંડળીના બધા સભ્યોએ કહ્યું કે, સ્પર્ધા તો અમારે મન ઠીક છે, પણ અમને ઉત્સવ જેવું લાગે છે અને દર વર્ષે અહીં આવીએ તો મોજ આવે છે. કહેવું પડશે કે, આ ભીલ સમાજનો પહેરવેશ હવે પેન્ટ અને શર્ટ થયો છે, પણ સંસ્કૃતિમાં દેખાડો ભળ્યો નથી. આ ઢોલમેળામાં ભીલ સંસ્કૃતિના સંગીતની ઝલક વર્તાય. સૌ પોતાની રીતે ગાય અને ઢોલ વગાડતાં જાય. પાછા સૌને આવકારતાં જાય. શીખવાડતાંય જાય. જે તાન અને મસ્તીમાં વગાડે કે જાતે જ થિરકવા માણસ ખેંચાય.
દાહોદની રહેણી કરણી, ખાણીપીણીના ગુજરાતીપણામાં તમને મધ્ય પ્રદેશ અને રાજસ્થાન બંનેની છાંટ વર્તાઈ આવે. ઉત્સવોમાં પણ. દાહોદના સચિનભાઈ દેસાઈ ત્યાં અમારા દોરવણીકાર હતા. તેમણે જણાવ્યું કે, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં હોળીના તહેવારનું ઘણું મહત્ત્વ છે. દાહોદ આ બંને રાજ્યોની સરહદ સાથે જોડાયેલું છે એટલે જ અહીં પણ હોળીનું આગવું મહત્ત્વ છે તે દેખાઈ આવે. તેમણે કહ્યું હતું કે, હોળી નજીકના દસ દિવસમાં દાહોદ અને આસપાસના વિસ્તારોમાં આશરે ૫૭ જેટલા મેળાઓનું આયોજન થયું હતું. હોળીએ અહીં અગ્નિ પર ચાલવાની પરંપરા - પ્રથા પણ ખૂબ જ પ્રચલિત છે. સામાન્ય રીતે અહીં ભરાતા મેળાઓમાં આદિવાસી પ્રજાના મેળા જ મુખ્ય હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter