પ્રજ્ઞાચક્ષુ પતિ પત્નીની આંખે જુએ છે અને દિવ્યાંગ પત્ની પતિના પગની મદદે ચાલે છે!

Wednesday 05th June 2019 07:57 EDT
 
 

વડોદરા: સુભાનપુરા વિસ્તારમાં રહેતા પ્રજ્ઞાચક્ષુ પતિ અને બંને પગે દિવ્યાંગ પત્ની એકબીજાને પોતાના પૂરક ગણે છે. ચેતન સાગર અંધ છે તો તેમનાં પત્ની પ્રકૃતિને બંને પગે પોલિયો હોવાથી ચાલી શકતાં નથી. ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ કરતા ચેતન સાગરે દિવ્યાંગોની મેટ્રોમોનિયલ સાઇટ પર પોતાનું નામ નોંધાવ્યું હતું. એ પછી તેમનો સંપર્ક પંજાબના જલંધરનાં પ્રકૃતિ સાથે થયો હતો અને બંનેના લગ્ન થયાં.
પ્રકૃતિ સાથે હોય, ત્યારે ચેતનને આંખોની ઉણપ લાગતી નથી અને પ્રકૃતિને ચેતન સાથે હોય ત્યારે પોતાને ૪ પગ હોય તેવો અહેસાસ થાય છે. ચેતન કહે છે કે, જ્યારથી પ્રકૃતિ મારા જીવનમાં આવી છે ત્યારથી મને લાગતું નથી કે હું અંધ છું. પ્રકૃતિ કહે છે કે, ચેતનનો સંગાથ મળ્યા પછી મને એકલું લાગતું નથી. ચેતન કહે છે કે પ્રકૃતિ ઘણી સમજદાર છે. મને ભાણામાં કઇ વસ્તુ કયાં છે તે શોધવામાં તકલીફ પડે એ સ્વભાવિક છે. જોકે, પ્રકૃતિએ તેનો કાયમી ઉકેલ શોધી કાઢ્યો. તે કલોકવાઇઝ વાનગીઓ ગોઠવે છે. થાળીમાં ૧૨ વાગ્યાની જગાએ રોટલી, પોણા બારના કાંટે દાળની વાટકી, સવા બારના સ્થાને શાક મૂકે છે. જેથી મને ખ્યાલ આવે કે કઈ વાનગી ક્યાં છે! પ્રકૃતિ કહે છે કે, તેનાથી ઉંચાઇએ મૂકેલી વસ્તુઓ લઇ શકાતી નથી તેથી તે ચેતનને સમજાવે એમ ચેતન તેમને વસ્તુઓ ગોઠવી આપે છે. પ્રકૃતિ કહે છે કે ચેતન તેને વ્હીલચેર પર બેસાડીને ફરવા પણ લઈ જાય છે. આ ઉપરાંત પ્રજ્ઞાચક્ષુ ચેતન પોતાના જેવા અન્ય પ્રજ્ઞાચક્ષુઓને કમ્પ્યુટરની તાલીમ પણ આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter