પ્રામાણિકતાની મિસાલ સમાન આદિવાસી ધારાસભ્યનો દીકરો આજેય બદલી ડ્રાઇવર તરીકે રોજી મેળવે છે

Wednesday 16th November 2022 05:21 EST
 

વડોદરા: રાજકારણમાં પ્રવેશતાંની સાથે રોડપતિમાંથી કરોડપતિ બનતા વર્તમાન રાજકારણીઓથી તદ્દન વિપરીત એવા મધ્ય ગુજરાતની પૂર્વ પટ્ટીના એક આદિવાસી નેતાની આ વાત છે. ઇમાનદારી અને પ્રમાણિકતાની મિશાલ સમાન છોટાઉદેપુર જિલ્લાના જેતપુર વિધાનસભા બેઠક પર 1967માં ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવનારા માણેક સોમભાઇ તડવીનો પરિવાર આજે શ્રમજીવી પરિવાર જેવું જીવન ગુજારી રહ્યો છે. સ્વર્ગસ્થ ધારાસભ્ય પિતા પૂરા પાંચ વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા હતા તે ઉલ્લેખનીય છે.
1967માં સ્વતંત્ર પાર્ટીમાંથી ચૂંટાયેલા આ માણેક તડવીને 1972માં એનસીઓના યુવા ઉમેદવાર મોહનસિંહ રાઠવાએ જેતપુર બેઠક પર જ હરાવ્યા હતા. એક ટર્મ ધારાસભ્ય રહ્યા બાદ સરકારી લાભથી વંચિત રહેલા માણેક તડવીને જીવન ગુજારવા માટે જીવનના અંત સુધી હોઝિયરીની દુકાન પર નોકરી કરવી પડી હતી. આજે તેમનો દીકરો બદલી ડ્રાઇવર તરીકે નોકરી કરીને પેટીયું રળી રહ્યો છે.
હાલમાં છોટાઉદેપુર પંથકના નટવરપુરા ખાતે રહેતો માણેક તડવીનો દીકરો વિજય તડવી કહે કે, મારા પિતા માણેક સોમભાઇ તડવી 1967માં જેતપુર બેઠક પર ધારાસભ્ય બન્યા હતા. સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે માણેક તડવીએ 13,358 મત મેળવ્યા હતા. તેમના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના ઉમેદવાર કે.જી. નાયકે 10,016 મત મેળવ્યા હતા. જ્યારે 1972માં માણેક તડવીને કોંગ્રેસે ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. તેમની સામે મોહનસિંહ રાઠવાને એનસીઓએ ઉમેદવાર બનાવ્યા હતા. જેમાં માણેક તડવીને માત્ર 6160 મત મળ્યા હતા, જ્યારે મોહનસિંહને 17,074 મત મળ્યા હતા.
પાંચ વર્ષ ધારાસભ્ય તરીકે રહ્યા બાદ ચાર દીકરા અને દીકરીઓની સામે માણેક તડવીનો પરિવાર શ્રમજીવી તરીકેની જ જિંદગી જીવ્યો છે. માણેક તડવીએ જીવનની છેલ્લી ઘડીઓ સુધી હોઝિયરીની દુકાનમાં નોકરી કરી છે. પાનનો ગલ્લો કર્યો હતો, પરંતુ એ તેમના ભાઇને આપી દીધો હોવાનું જણાવતાં વિજય તડવી કહે છે કે, ધારાસભ્ય તરીકે મારા પિતાએ ક્યારેય કોઇની ગિફ્ટ પણ લીધી ન હતી. આજે અમારા ઘરમાં ગેસનો બોટલ પણ નથી, કે ચૂલો પણ નથી, બીપીએલ તરીકેના પણ લાભ મળ્યા નથી. આજે ધારાસભ્યોને પેન્શન મળે છે. પ્લોટ મળે છે, ભૂતપૂર્વ ધારાસભ્ય તરીકેના કોઇ લાભ પણ મારા પિતા જીવિત હતા ત્યાં સુધી મળ્યા નથી. સાત વર્ષ અગાઉ તેમનું નિધન થયું હતું. પરંતુ જીવતા રહ્યા ત્યાં સુધી શ્રમજીવી તરીકે જ જીવન ગુજાર્યું છે. તેઓનું મૃત્યુ થયું ત્યારે કાંધ આપનારા ચાર આગેવાનો પણ દેખાયા નથી, પરંતુ મને ગર્વ છે કે તેઓ નખશિખ સજ્જન રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter