બોરસદના કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ પર ફાયરિંગ કરનારા રવિ પૂજારીનાં શૂટર સહિત ૩ પકડાયા

Friday 20th January 2017 04:16 EST
 
 

અમદાવાદઃ આણંદ ચોકડી નજીક ૧૩મી જાન્યુઆરીએ બોરસદ પાલિકાના અપક્ષ કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ પર હારેલા મહિલા ઉમેદવાર શાંતાબહેન રમેશભાઇ પટેલના પુત્રએ ફાયરિંગ કરાવ્યું હોવાનું બહાર આવ્યું છે. ભાજપી ઉમેદવારના પુત્ર ચંદ્રેશે ૨૫ લાખમાં સોપારી ગેંગસ્ટર રવિ પૂજારીના શાર્પશૂટરને આપી હતી. અપક્ષ ઉમેદવાર પર હુમલા મામલે હત્યાના કાવતરાનો ગુનો નોંધાયો હતો. એટીએસએ ગેંગસ્ટર રવિ પૂજારીના શાર્પશૂટર, બાઇક ચલાવનાર અને આસરો આપનાર એમ કુલ ૩ આરોપીને પકડી પાડયા છે.

બોરસદમાં અન્નપૂર્ણા સોસાયટીમાં રહેતા પાલિકાના અપક્ષ કાઉન્સિલર અને નાણાકીય રીતે શ્રોફનો વ્યવસાય કરતા પ્રજ્ઞેશભાઈ જયંતિભાઈ પટેલ ઉર્ફે ભોલાભાઈ ૧૩ જાન્યુઆરીએ સવારે પોણા નવ વાગ્યે મહાદેવના મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. પ્રજ્ઞેશ પટેલ પોતાના બાઇક પર ઘરેથી દસ મીટર દૂર મુખ્ય માર્ગ નજીક પહોંચ્યા દરમિયાન ચોકડી તરફથી બાઇક પર આવેલા બે શખસો તેમની નજીક આવ્યા હતા. તેમાંથી પાછળ બેઠેલા શૂટરે રિવોલ્વરમાંથી ચાર રાઉન્ડ ફાયરિંગ પ્રજ્ઞેશ પટેલ પર કર્યાં હતાં. જેમાંથી બે રાઉન્ડ મિસ ફાયર થયા હતા. એક ગોળી પ્રજ્ઞેશ પટેલના ગળામાં વાગતા તેઓ નીચે પટકાયા હતા અને હુમલાખોર ભાગી ગયા હતા. એટીએસના ડીસીપી હિમાંશુ શુકલાએ જણાવ્યું હતું કે, પ્રજ્ઞેશ સામે હારેલા મહિલા ઉમેદવારના પુત્ર ચંદ્રેશ અને પ્રજ્ઞેશ વચ્ચે અનેક વખત માથાકૂટ થયેલી છે. જેના કારણે ચંદ્રેશે સુરેશ અન્નાને વાત કરી હતી. સુરેશ અન્ના અને ગેંગસ્ટર રવિ પૂજારીનો શાર્પશૂટર સુરેશ પિલ્લાઇની મુલાકાત વડોદરા જેલમાં થઇ હતી. આ સમયે સુરેશ પિલ્લાઇએ સુરેશ અન્નાને રવિ પૂજારી સાથે વાત પણ કરાવી હતી. તેથી બંને વચ્ચે સંપર્ક હતા અને રવિ પૂજારીએ સુરેશ અન્નાને પૈસા મોકલી આપ્યા હતા, પરંતુ નોટબંધી થતાં રૂપિયા આવતા બંધ થઇ ગયા હતા. ચંદ્રેશે સુરેશને પ્રજ્ઞેશને ઉડાવાવ માટે ૨૫ લાખની સોપારીની વાત કરી હતી. તેથી સુરેશ પિલ્લાઇ (થાણે મુબંઇ) એ સોપારી લીધી હતી અને ૧૦ દિવસ રેકી કરી પ્રજ્ઞેશને ગોળી મારીને હત્યાનો પ્લાન બનાવ્યો હતો. એટીએસએ બાતમી આધારે શૂટર સુરેશ પિલ્લાઇ, ફાયરિંગ વખતે બાઇક ચલાવનાર સગીર મોમીન (સુરત) અને આસરો આપનાર ઘનશ્યામગીરી ગોસ્વામી (આણંદ)ની ધરપકડ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter