બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામીની ૯૭મી જન્મજયંતીની દિવ્યતાથી ઉજવણી

Wednesday 29th November 2017 08:00 EST
 
 

આણંદઃ માગસર સુદ આઠમના દિને તિથિ મુજબ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની ૯૭મી જન્મજયંતી દિવ્યતા સાથે બીએપીએસ સંસ્થા દ્વારા ૨૭ નવેમ્બર, ૨૦૧૭ના રોજ ઉજવાઈ હતી. આ મહોત્સવની ઉજવણી આણંદમાં પરમ મહંત સ્વામીજીના વડપણ હેઠળ થઈ હતી. પ્રમુખસ્વામીની જયંતી મહોત્સવની સાત દિવસીય ઉજવણી નિમિત્તે આશરે ૬૦૦૦થી વધુ યજમાનો ઉપરાંત સંતો ભક્તોની રહેવા જમવાની સુવિધા સાચવવા આણંદ-સોજીત્રા રોડ પર વલાસણ-મોરડ નજીક ૨૦૦ એકરની વિશાળ ભૂમિમાં સ્વામીનારાયણ નગરનું નિર્માણ કરાયું હતું.
વિશ્વશાંતિ મહાયજ્ઞ
પ્રમુખસ્વામીજીની જન્મજયંતી નિમિત્તે સાત દિવસમાં રોજ સત્સંગ સભાઓ ઉપરાંત બે દિવસીય વિશ્વશાંતિ મહાયજ્ઞ રખાયો હતો. શાસ્ત્રોક્ત વિધિસરના યજ્ઞમાં ૬૦૦૦થી વધુ યજમાનોને બેસવાનો અવસર મળ્યો હતો. ૨૫મી નવેમ્બરે સવારે બ્રહ્મ મુહૂર્તમાં
પૂ. કોઠારીબાપાએ દીપ પ્રાગટ્ય સાથે યજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો. ૨૫મીએ યજ્ઞના પ્રથમ ચરણમાં ૩૦૦૦ યજમાનો અને બીજા દિવસે ૨૬મીએ આશરે ૩૦૦૦થી વધુ યજમાનોએ પરિવાર સાથે યજ્ઞમાં બેસવાનો લાભ લીધો હતો. યજ્ઞના આયોજન માટે ચાર વેદના જાણકાર બીએપીએસના શ્રુતિપ્રકાશજી સ્વામી (ષડદર્શનાચાર્ય)ના માર્ગદર્શન અનુસાર છેલ્લા ચાર મહિનાઓથી તૈયારી ચાલતી હતી. સંતોના માર્ગદર્શન હેઠળ ૫૦૦ સ્વયંસેવકો યજ્ઞશાળામાં સેવામાં પ્રવૃત્ત હતા. સામવેદી ભૂદેવો અને સંસ્થાના પુરોહિતો ઘનશ્યામભાઈ શાસ્ત્રી, મુકેશભાઈ શાસ્ત્રી દ્વારા યજ્ઞના વેદ મંત્રોના ઉચ્ચારણો અને આહુતિઓથી સમગ્ર વાતાવરણ દિવ્ય બન્યું હતું. મહંતસ્વામીજીએ યજ્ઞમાં પધારીને મુખ્ય આહુતિ પણ આપી હતી.
ભાગવતી દીક્ષા મહોત્સવ
૨૬મી નવેમ્બરે પ્રમુખસ્વામી મહારાજના ૯૭મા જન્મજયંતી મહોત્સવની પૂર્વ સંધ્યાએ અક્ષર ફાર્મમાં બીએપીએસ સંસ્થાના ૩૭ પાર્ષદોને ભાગવતી દીક્ષા અર્પણ મહોત્સવ ઊજવાયો હતો. મહંત સ્વામી મહારાજ દ્વારા ૩૭ સુશિક્ષિત-નવયુવાન પાર્ષદોને દીક્ષા આપી હતી. ઉલ્લેખનીય છે કે કુલ ૩૭ દીક્ષાર્થીઓમાંથી ચાર એનઆરઆઈ પાર્ષદો હતાં. જેમાં બે યુએસએ, એક કેનેડા અને એક પાર્ષદે આફ્રિકામાં રહીને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે.
ભવ્ય મહોત્સવ
સ્વામીજીની જન્મજયંતીએ ૨૭મીએ વહેલી સવારે બ્રહ્મમુહૂર્તમાં મહંત સ્વામી મહારાજે બીએપીએસ સ્વામીનારાયણ મંદિરમાં ઠાકોરજીની આરતી ઉતારી પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિનું ગુરુપૂજન કર્યું હતું. ઉપસ્થિત હરિભક્તોએ દીવડાઓ સાથે સમૂહ આરતી કરી હતી. એ પછી અક્ષરફાર્મમાં પ્રાતઃ પૂજા બાદ પ્રમુખસ્વામી મહારાજની યાદમાં સ્મૃતિ પ્રવચનનું આયોજન કરાયું હતું. જેમાં મહંત સ્વામીજીએ જણાવ્યું કે, પ્રમુખસ્વામીજી હંમેશા આપણને અનુકુળ થઈને પ્રભુભક્તિમાં લીન હતાં. સંપ, સુહ્રદયભાવ, એકતા રાખીને સત્સંગ કરવાનો સંદેશ તેમણે આપ્યો છે. જે આપણે જીવનભર નિભાવવાનો છે. આ પ્રસંગે સ્વામીજીના અંતેવાસી અને ૪૦ કરતાં પણ વધુ વર્ષો સ્વામીબાપા સાથે વિચરણ કરનારા વિવેકસાગર સ્વામી ઉપરાંત ઈશ્વરચરણ સ્વામીજી, કોઠારી સ્વામીજી (ભક્તિપ્રિય સ્વામી), ત્યાગ વલ્લભ સ્વામીજી, ડોક્ટર સ્વામીજીએ પ્રમુખસ્વામી મહારાજ સાથેના પોતાના અનુભવો તથા પ્રેરક ઘટનાઓ બે લાખ હરિભક્તો વચ્ચે કહીને સ્વામીબાપાની પોતાની સાથેની યાદોને જીવંત કરવાનો પ્રયાસ કર્યો હતો.
કુલ ૩૬૧ બોટલ રક્તદાન
હરિભક્તોએ પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપવા માટે આ તેમની જન્મજયંતી નિમિત્તેના મહોત્સવ કાર્યક્રમમાં કુલ ૩૬૧ બોટલ રક્તદાન કરીને સામાજિક સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ ઉપરાંત આ પ્રસંગમાં એવી જાહેરાત પણ કરવામાં આવી હતી કે, બીએપીએસ વર્ષોથી સત્સંગ શિક્ષણ પરીક્ષાનું આયોજન કરતું આવ્યું છે. આ પ્રવૃત્તિને ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત વિશ્વ વિદ્યાલય-ઈગ્નુ યુનિવર્સિટી સાથે જોડવામાં આવી રહી છે અને પરીક્ષાર્થીઓ અભ્યાસ કરીને ડિપ્લોમાથી લઈને પી.એચ.ડી.ની પણ વિધિવત ડિગ્રી સ્વામીનારાયણ વૈદિક અધ્યયન દ્વારા પ્રાપ્ત કરી શકશે. તેમને આ વિદ્યા માટે સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થઈ શકશે.
સોમવારે યોજાયેલા આ મહોત્સવમાં અતિથિ વિશેષ તરીકે યુએઈના બિઝનેસમેન તથા સીરિયાના પૂર્વ વડા પ્રધાન અને પૂર્વ પ્રમુખના પૌત્ર નઝીમ અલ કુદ્સી પધાર્યા હતા. યુવાનકાળમાં પ્રમુખસ્વામીજી સાથેની મુલાકાત પછી તેમનામાં આમૂલ પરિવર્તનનો સ્વાનુભાવ કુદ્સીએ ગદગદ થતાં આ દિવસે વ્યક્ત કર્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી હતી કે, વિશ્વભરમાંથી પધારેલા લાખો હરિભક્તો સાથે હું પણ પ્રમુખસ્વામી મહારાજને શત શત નમન કરીને તેમની જન્મજયંતીમાં ભક્તિભાવથી જોડાઉં છુ. તેઓ એક દિવ્ય પરમ તત્ત્વ હતા. જેમની નિસ્વાર્થ સેવા, માનવતા અને શ્રદ્ધાપૂર્વકના પુરુષાર્થે અગણિત જીવોના મનમાં એક અદ્દભુત પ્રભાવ ઉભો કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter