ભાદરણ ગ્રામ પંચાયત તથા વતનવાસીઓ દ્વારા પદ્મશ્રી ડો. દેવેન્દ્ર પટેલનું સન્માન

Wednesday 17th May 2017 08:25 EDT
 
 

ભાદરણઃ ટાઉનહોલમાં તાજેતરમાં ગ્રામ પંચાયત તથા વતનવાસીઓ દ્વારા પદ્મશ્રી ડો. દેવેન્દ્ર પટેલનો સન્માન સમારોહ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે ભાદરણના આ સેવાભાવી પાટીદારને મેડિકલ અને ખાસ કરીને કેન્સર નાબૂદી ક્ષેત્રે સંશોધન અને દર્દીઓની સેવા - સારવાર બદલ ૨૬મી જાન્યુઆરી ૨૦૧૭ના રોજ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે નવી દિલ્હીમાં પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો હતો.
વતનવાસીઓ દ્વારા ૧૩ ફેબ્રુઆરીના રોજ યોજાયેલા ડો. દેવેન્દ્ર પટેલના સન્માન સમારંભમાં વડોદરાના જીતેન્દ્રસિંહજી ગાયકવાડ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત હતા. કાર્યક્રમમાં પ્રમુખપદે ચંદ્રવદન મણિભાઈ પટેલ (યુએસએ) તથા સમારંભના મુખ્ય અતિથિ તરીકે સરપંચ જૈમિનીબહેન પટેલ હાજર રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે મહેન્દ્રભાઈ ચુનીભાઈ પટેલ તથા કૌશિકભાઈ શકુભાઈ પટેલની હાજરી હતી. આ પ્રસંગે એબીપીએલ ગ્રુપ વતી જનાર્દનભાઈ પટેલના હસ્તે પણ ડો. દેવેન્દ્ર પટેલને સન્માન પત્ર એનાયત થયું હતું. આ કાર્યક્રમમાં ગામના જાગૃત અગ્રણી શૈલેષભાઈ આર. પટેલનું યોગદાન પણ મહત્ત્વનું રહ્યું હતું. જશવંતભાઈ પટેલ તથા ફાલ્ગુનીબહેન પટેલે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.
પોતાના વતનવાસીઓ દ્વારા ડો. દેવેન્દ્રભાઈ પટેલનું સન્માન થતાં તેઓ ગદગદ થઈ ગયા હતા અને તેમણે રૂ. ૧,૦૦,૦૦૦નો ચેક ભાદરણ પ્રગતિ મંડળમાં ટી. બી. હાઈસ્કૂલના વિકાસાર્થે અર્પણ કર્યો હતો. આ ઉપરાંત મહેશભાઈ નટુભાઈ પટેલ (લંડન) તરફથી પોતાના વતન ભાદરણના વિકાસાર્થે રૂ. ૨૫,૦૦,૦૦૦નો ચેક ગ્રામ પંચાયતને અર્પણ કરવામાં આવ્યો હતો. ચંદ્રવદન મણિભાઈ પટેલ (કાપડિયા) દ્વારા પણ આ પ્રસંગે અમદાવાદ ગામ પાટીદાર મંડળને રૂ. ૫૧,૦૦૦ની રકમ ચેક દ્વારા દાનમાં આપવામાં આવી હતી. કેન્સરના રોગની દવાઓ માટે કૌશિકભાઈ શકુભાઈ પટેલને તેમણે ચેક સોંપ્યો હતો.
ડો. દેવેન્દ્ર પટેલઃ સમાજસેવાને વરેલા સર્જન
પદ્મશ્રી ડો. દેવેન્દ્ર પટેલનો જન્મ ૧૯મી સપ્ટેમ્બર, ૧૯૩૨ના રોજ વતન ભાદરણમાં જ થયો હતો. પ્રારંભિક શિક્ષણ તેમણે ભાદરણમાં લીધું હતું અને ઉચ્ચ શિક્ષણ ગુજરાત કોલેજમાં લીધું હતું. એ પછી તેઓએ અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજમાંથી વર્ષ ૧૯૫૬માં એમ.બી.બી.એસ.ની ડિગ્રી સૌથી વધુ મેરિટ સાથે પ્રાપ્ત કરી હતી. પોતાના શિક્ષણકાળથી જ મેડિકલ સાયન્સમાં ઊંડી રુચિ ધરાવતા ડો. પટેલે અમદાવાદની કે. એમ. સ્કૂલ ઓફ મેડિકલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી હાંસલ કરી હતી. એ પછી વર્ષ ૧૯૫૯માં ગુજરાત યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ સર્જરીમાં ગોલ્ડમેડલ મેળવીને ઈંગ્લેન્ડમાં વધુ અભ્યાસ કરવાનું નક્કી કર્યું. ઇંગ્લેન્ડ અને એડિનબર્ગમાં FRCSની ડિગ્રી તેમણે મેળવી. વર્ષ ૧૯૬૪માં યુકેમાં તેમણે મેડિકલ ક્ષેત્રે વધુ અભ્યાસ કર્યો. ત્યારબાદ તેઓ યુએસમાં બોસ્ટનના લાહે ક્લિનિકમાં સિનિયર મેડિકલ ફેલો તરીકે જોડાયા. ત્યાં તેઓએ કેન્સર સર્જરીનો બહોળો અનુભવ પ્રાપ્ત કર્યો. અમેરિકાથી ભારત પાછા આવીને અમદાવાદની એમ. પી. શાહ કેન્સર હોસ્પિટલમાં તેઓ ચિફ સર્જન તરીકે જોડાયા. વર્ષ ૧૯૯૦થી ૧૯૯૩ દરમિયાન તેઓએ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ સોસાયટીના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી. એ પછી વર્ષ ૧૯૯૩થી ૨૦૦૩ સુધી તેઓએ આ જ સંસ્થામાં ઓનરરી ડિરેક્ટર તરીકે સેવાઓ આપી.
ડો. દેવેન્દ્ર પટેલે રાષ્ટ્રીય અને જિલ્લા કેન્સર નિયંત્રણ પ્રોગ્રામ હેઠળ કેન્સરના અટકાવ માટે તમાકુ નિયંત્રણ ઝુંબેશ ચલાવી હતી. ૮૪ વર્ષના પદ્મશ્રી ડો. દેવેન્દ્ર પટેલ વર્ષ ૨૦૦૩ પછી હાલમાં પણ નડિયાદની મહાગુજરાત કોલેજમાં આવેલા કેન્સર રિસર્ચ સેન્ટરમાં કેન્સર નાબૂદી બાબતે સંશોધનકાર્ય કરવા સાથે મેડિકલના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. ડો. પટેલ ઉમદા સેવાકાર્ય સાથે જોડાઈને નડિયાદ અને આણંદ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના
ગરીબ જરૂરિયાતમંદોને નિઃશુલ્ક અથવા નજીવી કિંમતે કેન્સરની સારવાર પણ ઉપલબ્ધ કરાવે છે.
તેઓ લેપ્રસી મિશન ટ્રસ્ટ ઇન્ડિયા, કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર (CERC), હેલ્પેજ ઈન્ડિયા, સર્વોદય પરિવાર ટ્રસ્ટ, પોલિયો નાબૂદી કાર્યક્રમ અને સેવ ધ ચિલ્ડ્રન ફંડ જેવી સંસ્થાઓમાં આર્થિક અનુદાન અને તબીબી સેવા આપી રહ્યા છે.
૨૧થી વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેડિકલ એસોસિએશનમાં ડો. પટેલ સભ્ય છે. ૧૪૦થી વધુ પબ્લિકેશન્સમાં તેમનું રિસર્ચવર્ક છપાઈ ચૂક્યું છે અને ૭૫થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં તેઓ ભાગ લઈ ચૂક્યા છે. તેઓએ અત્યાર સુધીમાં આશરે ૩૦,૦૦૦થી વધુ સફળ મેજર ઓપરેશન્સ પાર પાડ્યા છે. તેઓએ પોતાની તબીબી કારકિર્દી દરમિયાન આશરે ૧૦૦૦૦૦થી વધુ દર્દીઓને તપાસી માનવતાનું અદ્વિતીય ઉદાહરણ આપ્યું છે.
તબીબી ક્ષેત્રને માત્ર વ્યવસાય તરીકે ન જોતાં સેવાયજ્ઞ ગણીને કેટલાય દર્દીઓની તન મન ધનથી સારવાર કરનારા ડો. પટેલને ભારતના રાષ્ટ્રીય સન્માન પદ્મશ્રી સહિત ૧૮થી વધુ નેશનલ ઇન્ટરનેશનલ સન્માન પ્રાપ્ત થયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter