ભારતની કોર્ટમાં જવાબ આપવા આતંકીઓને તાલીમ અપાય છેઃ નિકમ

Wednesday 28th November 2018 06:29 EST
 
 

વડોદરાઃ મુંબઈના વકીલ પદ્મશ્રી ઉજ્જવલ નિકમે ૨૪ નવેમ્બરે મીડિયાને કહ્યું કે, મુંબઈ પર આતંકી હુમલાની ઘટનાને સોમવારે એટલે કે ૨૬ નવેમ્બરના રોજ ૧૦ વર્ષ પૂરાં થશે. આ આતંકી હુમલો ન હતો, પરંતુ પાકિસ્તાને ભારત સામે કરેલું યુદ્ધ હતું. નિકમે કહ્યું હતું કે, કસાબના ઈન્વેસ્ટિગેશન વખતે પાકિસ્તાનની મેલી મુરાદો, પાકિસ્તાનના ષડયંત્રો અને આતંકી સંગઠનોની રણનીતિ પણ ખુલ્લી પડી હતી.

કસાબે જ્યારે કોર્ટમાં કહ્યું કે હું માઈનોર છું ત્યારે હું ચોંકી ઊઠ્યો હતો. કસાબ જ્યારે એમ બોલ્યો કે હું માઈનોર છું તેનો મતલબ એમ થયો કે કસાબને ભારતીય કાયદાનું પૂરતું જ્ઞાન છે અને તે જાણે છે કે ભારતમાં માઈનોરને સજા થતી નથી. આ કેસમાં ઊંડાણથી તપાસ કરતાં જાણવા મળ્યું કે અલ કાયદાએ આતંકીઓને માત્ર શસ્ત્રજ્ઞાન જ નથી આપ્યું, પરંતુ ભારત પર હુમલા દરમિયાન જો પકડાઈ જાય તો તપાસ એજન્સીના સવાલોનો કઈ રીતે જવાબ આપવો? કોર્ટમાં કયા પ્રકારની જુબાની આપવી? સરકારી વકીલોને કઈ રીતે ગોળ ગોળ ફેરવવા? તેની પૂરતી તાલીમ અપાય છે. આ માટે અલકાયદાએ મેન્યુઅલ પણ તૈયાર કર્યું છે. આતંકીઓને ભારતના મીડિયાનો કઈ રીતે સંપર્ક કરવો અને આતંકી હુમલાની વધુમાં વધુ પબ્લિસિટી કઈ રીતે કરવી? તે પણ શીખવાય છે કેમ કે જેટલા વધુ પ્રમાણમાં પબ્લિસિટી થાય તેટલા જ વધુ પ્રમાણમાં ભારતમાં દહેશત ફેલાવી શકાય!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter