યાત્રાધામ કુબેર ભંડારીના અમાસના દર્શન શરૂ થયા

Monday 15th February 2021 14:54 EST
 
 

કરનાળીઃ હવે સમગ્ર ગુજરાતભરમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જનજીવન હવે સામાન્ય થઈ રહ્યું છે. કોરોનાને કારણે બંધ થયેલા અનેક ધાર્મિક સ્થળો, જાહેર સ્થળો હવે ધીરે ધીરે ખૂલી રહ્યાં છે ત્યારે ગુજરાતના અનેક મંદિરોના દરવાજા ગાઈડલાઈન સાથે ખોલવામાં આવ્યા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારીના દરવાજા પણ અમાસના દર્શન માટે ખૂલી ગયાં છે.
વડોદરાના ડભોઇના કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિરમાં અમાસે ૧૧મી ફેબ્રુઆરીએ પૂજા - અર્ચના થઈ હતી. કોરોના કાળમાં છેલ્લા ૧૧ મહિનાથી કુબેર ભંડારીમાં અમાસના દર્શન ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. અમાસના દર્શન શરૂ કરાતાં લાખોની સંખ્યામાં ભક્તો સમગ્ર ગુજરાત સહિત ભારતભરમાંથી કુબેર ભંડારીની એક ઝલક માટે આવી પહોંચ્યા હતા. વહેલી સવારથી જ ‘જય કુબેર’ના નાદ સાથે સમગ્ર પંથક ગુંજી ઉઠ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હવે ટૂંક સમયમાં કોરોનાની રસી સામાન્ય માણસ સુધી પહોંચવાની છે ત્યારે કુબેર ટ્રસ્ટ દ્વારા અન્નક્ષેત્રની સાથે-સાથે અમાસના દર્શન પણ ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter