યુએસમાં પિતા-પુત્ર, મોટેલ માલિકનાં મૃત્યુ

Tuesday 21st April 2020 14:04 EDT
 

વડોદરાઃ ડભોઈના શેઠ ફળિયામાં રહેતા રોહિતભાઈ ઉર્ફે રાજેશભાઈ સૂર્યકાંત શાહ ૨૦ વર્ષ પહેલાં પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા. ન્યૂ જર્સીમાં રોક વે વિસ્તારમાં રહેતા અને મોલમાં નોકરી કરતા રોહિતભાઈ (ઉં ૬૦)ને કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી પંદર દિવસની સારવાર દરમિયાન ૧૭મી એપ્રિલે તેમનું મોત થયું હતું. રોહિતભાઈને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તેઓ પણ અમેરિકામાં જ રહે છે. રોહિતભાઈનાં પુત્ર અને પત્નીનાં પણ કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા હતા. જોકે તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવાનું રોહિતભાઈનાં વડોદરાવાસી સ્વજનોએ જણાવ્યું હતું.
સાવલી તાલુકાના વસંતપુરા ગામના અને અમેરિકામાં સ્થાયી થયેલા મયૂરભાઇ જયંતીભાઇ રાય અને જયંતીભાઇ ગોવર્ધનભાઇ રાય એમ પિતા-પુત્ર બંનેને કોરોના ભરખી ગયો છે. પુત્રનું અગાઉ મૃત્યુ થયા બાદ જયંતીભાઇના મૃત્યુના સમાચાર ૧૫મી એપ્રિલે વતનમાં મળ્યા હતા. જયંતીભાઈનાં બે ભાઈઓનાં પરિવાર વડોદરામાં જ સ્થાયી થયેલાં છે. જયંતીભાઈનાં ભાઈઓએ જણાવ્યું હતું કે ભાઈ અને તેમના પુત્રનાં મૃત્યુના સમાચારથી વડોદરામાં પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે.
આશરે ૩ દાયકા ઉપરાંતથી આ પરિવાર અમેરિકામાં સ્થાયી થયો હતો. તેઓ મોટેલ બિઝનેસ સાથે સંકળાયેલા હતાં.. આ અગાઉ વડોદરાના ચંદ્રકાન્ત અમીન અને પંકજ પરીખનું પણ અમેરિકામાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
છેલ્લા ૪૦ વર્ષથી ન્યૂ જર્સીમાં મોટેલ બિઝનેસ સાથે સંકળાયેલા મયંક રાયનું પણ કોરોનાના કારણે અમેરિકામાં મૃત્યુ થયું હતું. મયંક રાયનું અવસાન થવાથી વડોદરામાં પરિવાર સહિત સગા-સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મયૂરભાઈના વડોદરામાં ઘણા સગા સંબંધી છે.
ખેડાના પ્રફુલ્લાબહેન મહેન્દ્રભાઈ પટેલ (ઉં ૬૮) લગ્ન બાદ ૧૯૭૪થી અમેરિકામાં સ્થાયી થયાં હતાં. તેમને કોરોના લક્ષણોને કારણે કેલિફોર્નિયામાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બે અઠવાડિયાની સારવાર બાદ તાજેતરમાં તેમનું પણ કોરોનાના કારણે મૃત્યુ થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter