રૂ. ૮૧૦૦ કરોડના કૌભાંડી સાંડેસરા બંધુઓનાં નાઇજિરિયન નેશનલ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. સાથે કરાર!

Monday 05th October 2020 09:54 EDT
 
 

વડોદરા: ભારતમાં આશરે રૂ. ૮૧૦૦ કરોડના બેંક ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં ફરાર સ્ટર્લિંગ ગ્રૂપના સર્વેસર્વા સાંડેસરા બંધુઓએ વિદેશ સ્થિત BOGEPL, BORL, BOGEL, SORL અને GGL નામની કંપનીઓમાં હવાલાથી કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાની વિગતો કેન્દ્રીય એજન્સીની તપાસમાં પ્રકાશમાં આવી હતી. જોકે હજુ સુધી કેટલા રૂપિયા હવાલાથી વિદેશ મોકલાયા તેનો કોઈ ચોક્કસ આંકડો તપાસ એજન્સીએ જાહેર કર્યો નથી. આ ઉપરાંત અમદાવાદના ઇન્કમટેક્સના ઓફિસરને દિલ્હીમાં વડોદરાની એચ. રમેશ આંગડિયા પેઢી મારફતે મોટી રકમ મોકલાઈ હતી. જેની રિસીપ્ટ ડિનો મારિયા પાસેથી મળી આવી હતી. જે બાદ ઇડીએ માંજલપુરમાં આવેલી એચ. રમેશ આંગડિયા પેઢીની ઓફિસ અને ઘરે દરોડા પાડી દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતા.
દેશની વિવિધ બેંકો તથા ખાનગી ફાઈનાન્સ કંપનીઓને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી વર્ષ ૨૦૧૭થી ફરાર મહાકૌભાંડી ભાઈઓ ચેતન અને નીતિન સાંડેસરા સહિત કેટલાક વિરુદ્વ સીબીઆઈમાં બે ગુના દાખલ થયા હતા. તેમનું છેલ્લું લોકેશન બ્રિટિશ વર્જિન આઈલેન્ડ પર હોવાનું જાહેર થયું હતું. તે પછી આરોપીઓ ક્યાં છે? તેની કોઈ સત્તાવાર માહિતી નથી.
સાંડેસરા બંધુઓએ હવાલાથી જે વિદેશી કંપનીઓમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યાં છે તેમાંથી કેટલીક કંપનીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્ટર્લિંગ ઈન્ટરનેશનલ કંપનીની સબ્સિડરી કંપનીઓ હોવાનું જણાયું છે.
નાઈજિરિયામાં રૂ. ૪૪૧૩ કરોડના કરાર
સ્ટર્લિંગ ગ્રૂપની સબ્સિડરી કંપનીએ સપ્ટેમ્બર, ૨૦૨૦ના છેલ્લા અઠવાડિયામાં નાઇજિરિયન સરકાર સાથે ગેસ અને ઓઇલ ફિલ્ડના વિકાસ અને વેપાર માટે ૬૦૦ મિલિયન ડોલર (આશરે રૂ. ૪૪૧૩ કરોડ)નો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો. ભારતમાં આ જ ગાળામાં સાંડેસરા બંધુઓને ઇએફઓ એક્ટ હેઠળ ભાગેડુ જાહેર કરાયા હતા.
નાઇજિરિયન નેશનલ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (એનએનપીસી) અને ‘સિપકો’ (સ્ટર્લિંગ એક્સપ્લોરેશન એન્ડ એનર્જી પ્રોડ્કશન કંપની)એ જાહેરાત કરી હતી કે, નાઇજિરિયાના અબુજામાં આવેલી ઓઇલ માઇનિંગ લીઝ (ઓમએલ-૧૪૩) માટે કરાર કરાયા છે. ઓઇલ અને ગેસનું ઉત્પાદન કરીને તેનું માર્કેટિંગ કરવાની જવાબદારી સિપકોની રહેશે અને આ માટે સિપકો ૬૦૦ મિલિયન ડોલરનું રોકાણ કરશે.
૬૦૦ મિલિયન ડોલરનું રોકાણ
ઉલ્લેખનીય છે કે સિપકો સાંડેસરા બંધુઓના સ્ટર્લિંગ ગ્રૂપની જ કંપની છે. નવાઈની વાત એ છે કે, ભારતમાં બેંકોનું રૂ. ૮૧૦૦ કરોડનું દેવું ભરપાઇ કરવામાં નિષ્ફળ ગયેલા સાંડેસરા બંધુઓ નાઇજિરિયામાં રૂ. ૪૪૧૩ કરોડનું રોકાણ કરી રહ્યા છે. જેની સીધી ગણતરી લોકો કરી રહ્યાં છે કે સાંડેસરા બંધુઓએ ભારતીય બેંકોને લૂંટીને ભેગા કરેલા નાણા વિદેશોમાં ટ્રાન્સફર કર્યાં છે અને એના બળે આ કરાર કર્યાં છે.

વડોદરાની ૪ કંપનીઓનાં રૂ. ૩૨૫૦ કરોડ માંડવાળ

દિલ્હીની કોર્ટે સાંડેસરા બંધુઓને બેંક ફ્રોડ અને મની લોન્ડરિંગ કૌભાંડમાં ફ્યુજિટિવ ઈકોનોમિક્સ ઓફેન્ડર્સ એકટ હેઠળ ભાગેડુ જાહેર કર્યાં છે ત્યારે દેશના ટોપ-૫૦ ડિફોલ્ટર્સના લિસ્ટમાં પણ સ્ટર્લિંગ બાયોટેક સહિતની ચાર કંપનીઓનાં નામનો સમાવેશ થાય છે.
આરટીઆઈ એક્ટિવિસ્ટ સાકેત ગોખલેએ દેશના ટોચના વિલફુલ ડિફોલ્ટર્સ અને તેમની માંડવાળ કરેલી રકમની જાણકારી માગતી અરજી રાઈટ ટુ ઈન્ફર્મેશન એકટ હેઠળ રિઝર્વ બેંકને કરી હતી. રિઝર્વે બેંકે એપ્રિલ, ૨૦૨૦માં બેંકો પાસેથી મેળવેલી માહિતીના આધારે દેશના ટોચના ૫૦ ડિફોલ્ટર્સની યાદી અને તેમની પાસેથી લેવાની નીકળતા રૂ. ૬૮૬૦૭ કરોડ માંડવાળ કર્યાં હોવાની જાણકારી આરટીઆઈના જવાબમાં આપી હતી.
આ ૫૦ ડિફોલ્ટરમાં વડોદરાની ચાર કંપનીઓનો પણ સમાવેશ થાય છે અને સાંડેસરા બંધુઓની સ્ટર્લિંગ ગ્રૂપની બે કંપનીઓ - સ્ટર્લિંગ બાયોટેકના રૂ. ૮૮૭ કરોડ, સ્ટર્લિંગ ઓઈલ રિસોર્સિસના રૂ. ૮૮૮ કરોડ માંડવાળ કરાયા છે. આ જ રીતે આ લિસ્ટમાં અમિત ભટનાગરની કંપની ડાયમંડ પાવર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે અને આ કંપનીના રૂ. ૮૭૦ કરોડ માંડવાળ કરાયા છે. હાલમાં અમિત ભટનાગર અને તેમનો ભાઈ સુમિત ભટનાગર જામીન પર છે જ્યારે શહેરના અન્ય એક ઉદ્યોગપતિ કલ્પેશ પટેલની કેમરોક ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટ લિ.ની બાકી રકમ રૂ. ૬૦૫ કરોડની રકમ પણ બેંકોએ માંડવાળ કરી છે. સરવાળે વડોદરાની ચાર કંપનીઓની કુલ રૂ. ૩૨૫૦ કરોડની લોનનું બેંકોએ નાહી નાંખ્યું છે.

સાંડેસરા બંધુઓએ ફંડ ટ્રાન્સફર કર્યાં તે કંપનીઓ

૧. ક્રાઉન હઉ ઈન્ટરનેશનલ કોર્પારેશન - બ્રિટિશ વર્જિન આઈલેન્ડ
૨. એટલાન્ટિક બ્લુ વોટર રિસોર્સિસ લિ. - મોરેસિયસ
૩. એટલાન્ટિક બ્લુ વોટર ઈન્વેસ્ટમેન્ટ - બ્રિટિશ, વર્જિન આઈલેન્ડ
૪. યુરોપિયન ફાઈનાન્સિયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન
૫. ગ્લોબલ ફાઈનાન્સ વેન્ચર લિમિટેડ
સ્ટર્લિંગની સબ્સિડરી કંપનીઓ
૧. બ્રિટિશ ઓઈલ એન્ડ ગેસ એક્સપ્લોરેશન લિ. – મોરેશિયસ
૨. બ્રિટિશ ઓઈલ રિસોર્સિસ લિ. – મોરેશિયસ
૩. બ્રિટિશ ઓઈલ એન્ડ ગેસ એકસપ્લોરેશન લિ. – બ્રિટિશ વર્જિન આઈલેન્ડ
૪. સ્ટર્લિંગ ઓઈલ રિસોર્સિસ લિ. – બ્રિટિશ, વર્જિન આઈલેન્ડ
૫. જીઓ ડાયનેમિક્સ, જીઓ સ્પ્રેક્ટ્રા લિ. – બ્રિટિશ, વર્જિન આઈલેન્ડ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter