લંડનના જગદીશભાઇનું હાર્ટ એટેકથી વડોદરામાં નિધનઃ દાગીના સોંપવા પોલીસે આખો દિવસ મૃતદેહ સાચવ્યો

Wednesday 30th May 2018 07:33 EDT
 

વડોદરાઃ હરણીરોડ પર પોતાના ઘરે આવેલા એનઆરઆઈ વૃદ્ધનું બંધ ઘરમાં હાર્ટએટેકના કારણે મોત થયું હતું. આ બનાવની હરણી પોલીસને જાણ કરાતાં પોલીસે દરવાજો તોડી તપાસ કરી હતી. એનઆરઆઈ વૃદ્ધે ૨૫ તોલાથી વધુ સોનાના દાગીના પહેર્યાં હોઈ પોલીસે મૃતદેહને ઘરમાં દિવસભર સાચવ્યો હતો અને ૨૮મીએ સાંજે વૃદ્ધના ભાઈ આવતાં તેને દાગીના સોંપી મોડી સાંજે મૃતદેહને સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
લંડનમાં વર્ષોથી સ્થાયી થયેલા એનઆરઆઈ ૭૨ વર્ષીય જગદીશભાઈ નરભેરામ ગંડેસા હરણી તળાવ પાસે વ્રજ બંગ્લોઝમાં મકાન ધરાવતા હતા અને અત્રે અવરજવર કરતા હતા. પ્રથમ પત્નીના મોત બાદ તેમણે બીજાં લગ્ન કર્યાં હતાં. ત્રણ વર્ષ અગાઉ બીજી પત્નીનું મોત થતાં તેઓ એકલવાયું જીવન જીવતા હતા. ૨૪મી તારીખે તેઓ લંડનથી વડોદરા આવ્યા હતા અને ૨૭મી તારીખની રાત્રે આઠ વાગે તે મકાનમાં ગયા બાદ ૨૮મીએ મોડી સવાર સુધી બહાર ન નીકળતા પાડોશીઓએ બૂમો પાડી છતાં અંદરથી જવાબ ન મળતાં પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે ફાયર બ્રિગેડની મદદથી ઘરનો દરવાજો તોડ્યો અને ઘરમાં પ્રવેશ કરતાં જગદીશભાઈ મૃત અવસ્થામાં પલંગ પર પડેલા જોવા મળ્યા હતા. જગદીશભાઈએ ગળામાં ચાર ચેન, પાંચ વીંટીઓ અને એક લકી સહિત સોનાના ૨૫ તોલાથી વધુ દાગીના પહેર્યાં હતા.
જગદીશભાઈના કોઈ સંબંધી હાજર ન હતા તેથી દાગીના કોને સોંપવા તે મુદ્દે પોલીસ અવઢવમાં પડી હતી. જગદીશના બે ભાઈઓ પ્રવીણભાઈ અને રાજુભાઈ પણ લંડનમાં વસે છે, પરંતુ તે પૈકી એક ભાઈ મુંબઈમાં આવ્યા છે. તેથી પોલીસે તેમને આ બનાવની જાણ કરીને દાગીના પહેરેલા મૃતદેહને ઘરમાં રાખીને મકાનને સીલ કર્યું હતું. દિવસભર પોલીસે બંદોબસ્ત ગોઠવીને મૃતદેહને ઘરમાં જ સાચવ્યો હતો. મોડી સાંજે જગદીશભાઈના ભાઈ અત્રે આવતા પોલીસે તેમને તમામ દાગીના પંચોની હાજરીમાં સોંપીને મૃતદેહને સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમ થતાં જગદીશભાઈનું હાર્ટએટેકના કારણે મોત થયાની વિગતો મળી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter