વડોદરાઃ મહારાજા સયાજીરાવ ગાયકવાડ સમયમાં બનાવવામાં આવેલો વૈભવી લક્ષ્મીવિલાસ પેલેસ આગામી વર્ષોમાં હોટેલમાં ફેરવાઈ જશે તેવી ખબરો છે. પેલેસમાં હોટલ શરૂ કરવા ચાર મોટી હોટેલ ચેઇન્સને પ્રપોઝલ પણ મોકલાઇ છે. મહારાજા સમરજીત સિંહનું પેલેસમાં હોટેલ્સ શરૂ કરવા માટે પાછલા ઘણા સમયથી આયોજન હતું.
આ અંગે સમરજીત સિંહના જણાવ્યા અનુસાર, અમે તાજ ગ્રુપ ઓફ હોટેલ્સ, ઓબેરોય હોટેલ્સ, રેડિસન હોટેલ્સ અને આઇટીસી હોટેલ્સને પેલેસમાં હોટલ શરૂ કરવાની પરવાનગી માટેની પ્રપોઝલ મોકલી છે. હોટેલ્સના રિપ્રેઝેન્ટેટિવ્સ આગામી સમયમાં પેલેસની મુલાકાત લેશે. ત્યાર બાદ જે ગ્રુપ તમામ શરતો સાથે હોટેલ શરૂ કરવા ઇચ્છુક હોય તેની સાથે પ્રોજેક્ટ પર આગળ કામ કરીશું. લક્ષ્મીવિલાસ પેલેસ બેંક્વેટ્સના સ્વરૂપમાં કાર્યરત છે ત્યારે પેલેસમાં હોટેલ્સ બનતાં હેરિટેજ ટુરીઝમ વિકસે તેવી શક્યતા છે.
મહેલ ૧૨૦ વર્ષ પહેલા ૧ લાખ ૮૦ હજાર પાઉન્ડના ખર્ચે બંધાયો હતો. ગાયકવાડ પરિવાર લક્ષ્મીવિલાસ પેલેસને હોટેલમાં કન્વર્ટ થવા કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવા માગે છે. પેલેસની બહાર આવેલા ગોલ્ફ કોર્સમાં હાલમાં મોટા ફેરફાર થઈ રહ્યાં છે. રાજવી પરિવારની
મુખ્ય શરત એ છે કે કોઈ પણ હોટેલ અહીં શરૂ થાય, પણ પેલેસની માલિકી ગાયકવાડ પરિવાર પાસે જ રહેશે. ઉલ્લેખનીય છે કે વડોદરાનો રાજવી પરિવાર હાલમાં પણ લક્ષ્મીવિલાસ પેલેસમાં જ રહે છે.